Ahmedabad, તા.૧૬
ગુજરાતના જળાશયોમાં જળસંગ્રહ ઘટતાં આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં હાલ સરેરાશ ૬૧.૫૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના ૯૦ જળાશયોમાં પાણીનો જથ્થો ૨૫ ટકાથી પણ ઓછો રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં પાણીના આયોજનને લઈને ચિંતા વધી છે.રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મળીને માત્ર પાંચ જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. બીજી તરફ મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતાં ઉનાળા દરમિયાન પીવાના પાણી તેમજ સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને ઓછા જળસંગ્રહ ધરાવતા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા જાળવવી તંત્ર માટે પડકારરૂપ બની શકે છે.જીવાદોરી નર્મદા ડેમ ભરાયેલો રહેતા રાહતરાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવાને કારણે હાલ રાજ્યને મોટી રાહત મળી રહી છે. નર્મદા ડેમમાં હાલમાં ૯૬.૭૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમમાં ઊંચા જળસંગ્રહને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળી શકે છે.જળસંગ્રહનો કરકસરપૂર્વક ઉપયોગ જરૂરી સાબિત થશેએક તરફ નર્મદા ડેમમાં સંતોષકારક જળસંગ્રહ રાહત આપી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના અન્ય જળાશયોમાં ઘટતો પાણીનો જથ્થો ચિંતાનો વિષય બન્યો છે. આગામી સમયમાં પાણીની સંભવિત તંગી ટાળવા માટે જળસંગ્રહનો કરકસરપૂર્વક ઉપયોગ અને પાણીના યોગ્ય આયોજનની જરૂરિયાત ઊભી થઈ છે.

