Ahmedabad,તા.15
ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધાબા પર પતંગ ચગાવી પેચ લડાવ્યા હતાં.અમિતભાઈ શાહ દર વર્ષની જેમ જગન્નાથ મંદિરે દર્શન કરવા ગયા હતાં.
અમિતભાઈ શાહે ઉત્તરાયણના શુભ અવસર પર અમદાવાદના નવા વાડજ સ્થિત અભિષેક એપાર્ટમેન્ટ ખાતે પતંગ મહોત્સવની ઉજવણી કરી હતી.અમિત શાહની સાથે પત્ની સોનલબેન શાહ, પુત્ર જય શાહ સહિતના પરિવારજનો ઉપસ્થિત જોવા મળ્યા હતાં.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આવીને શહેરના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પતંગ ચગાવીને તેમણે ઉત્તરાયણની મજા માણી હતી. જેમાં પરિવાર સાથે આનંદ માણતા નજરે પડ્યા હતા. અમિત શાહની સાથે તેમની પત્ની સોનલબેન શાહ, પુત્ર જય શાહ સહિતના પરિવારજનો ઉપસ્થિત હતા અને તેમણે ઉત્તરાયણની મજા માણી હતી.
ઉત્તરાયણની ઉજવણી કરતા પહેલા તેઓ ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યા હતા. મંદિરે તેઓ પહોંચ્યા તે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંદિરમાં તેમણે જગતના નાથના દર્શન કર્યા બાદ ગૌ માતાની પૂજા પણ કરી હતી. સાથે જ ગૃહમંત્રી દ્વારા ઘાસનું દાન પણ કરવામાં આવ્યું છે.
અમિત શાહની સાથે તેમનો પરિવાર પણ હતો જેમણે મંદિરમાં ભગવાનના દર્શન કરીને ગૌ માતાની પૂજા કરી હતી. ગૃહમંત્રી જેવા મંદિરમાં પહોંચ્યા કે મંદિરમાં અનોખો માહોલ જોવા મળ્યો હતો. અહીંયા મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા જેમણે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. અમિત શાહને જોઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જગન્નાથ મંદિરથી દર્શન કરીને અમિત શાહ ગુજરાત હાઉસીંગ બોર્ડના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે MIG 2 આવાસનું ભૂમિપૂજન કર્યું હતું. શહેરના નારણપુરા વિસ્તારમાં અમિત શાહ પહોંચ્યા હતા જ્યાં તેમણે આ ભૂમિ પૂજન કર્યું હતું.
આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણવાની તક મળતાં ઉપસ્થિત લોકો અને પતંગરસિયાઓ માટે મકરસંક્રાંતિનો ઉત્સવ યાદગાર બની રહ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા ખાતે પરિવારજનો સાથે પતંગ ચગાવી હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પીપલોદ ખાતે ગોવર્ધન હવેલી ખાતે ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌપૂજન પણ કર્યું હતું.
મગદલ્લાના રિવુલેટ રેસિડેન્સીના ધાબા પર સંઘવીએ પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા. સ્થાનિક રહીશોએ ‘કાઈપો ચે..’ના હર્ષનાદ સાથે નાયબ મુખ્યમંત્રી સાથે પતંગોત્સવમાં જોડાયા હતા.
રાજ્યની ભાતીગળ ઓળખ, પતંગોના ઉલ્લાસમય પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. આકાશમાં ઉડી રહેલી રંગબેરંગી પતંગો ગુજરાતની જીવંતતા અને ઉત્સવપ્રેમ દર્શાવે છે. પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.
ઉત્સવ સાથે પારિવારિક ઉજાણીનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તરાયણ પર્વે ઘર-ઘરમાં બનતા ઉંધીયા, તલના લાડુ, ચીકી અને તેના સ્વાદ, પરંપરા અને ભાતીગળ વારસો આપણને યાદ અપાવે છે કે મકર સંક્રાંતિ માત્ર આનંદનો દિવસ નથી, પરંતુ એકતાનું પ્રતિક પણ છે. જેમ ઉંધીયું વિવિધ શાકના મિશ્રણથી સ્વાદિષ્ટ બને છે, તેમ ગુજરાતની બહુરંગી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતાથી એકતા અને સદ્દભાવના તાંતણે ગુજરાત મજબૂત અને ગૌરવશાળી બન્યું છે.

