Gandhinagar,તા.૯
પાટીદાર સમાજના યુવા આગેવાનો, જેમાં દિનેશ બાંભણિયા, એસપીજી પ્રવક્તા પૂર્વીન પટેલ અને વરુણ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે, તેઓ આજે સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યા હતા. આ બેઠક મુખ્યત્વે બે મુદ્દાઓ ભાગેડુ લગ્ન પ્રથા’ (ફરાર થઈને કરાતા લગ્ન)માં સુધારો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત લાગુ પાડવાની માગ પર કેન્દ્રિત હતી.
નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ થયા બાદ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, સમાજ દ્વારા લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્ત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે. બાંભણિયાએ કહ્યું, “સરકારે અમને આશ્વસ્ત કર્યા છે કે આ અંગે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે.” તેમની માગણી છે કે લગ્ન માત્ર આધારકાર્ડના સરનામે જ થવા જોઈએ, જેથી કાયદાકીય પ્રક્રિયા સરળ બને. લગ્ન નોંધણીના કિસ્સામાં માતા-પિતાને વાંધો લેવા માટે યોગ્ય સમય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. તમામ લગ્ન નોંધણી પ્રક્રિયાને ઓનલાઈન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. દિનેશ બાંભણિયાએ એવો પણ આક્ષેપ કર્યો કે તલાટીઓ દ્વારા બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે.
આ મામલે ગૃહમંત્રીએ આવા તલાટીઓ સામે કડક પગલાં લેવા માટે આદેશ આપ્યા હોવાની જાણકારી તેમણે આપી હતી. આ બેઠક પાટીદાર ચિંતન શિબિરમાં ’ભાગેડુ લગ્ન પ્રથા’ વિરુદ્ધ થયેલી ચર્ચાના અનુસંધાનમાં યોજાઈ હતી, અને અગાઉ પણ સમાજે આ અંગે મંત્રણાઓ કરી છે.
અન્ય એક મહત્ત્વના મુદ્દા પર, પાટીદાર આગેવાન વરુણ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. હાલમાં ઇડબ્લ્યુએસ કેટેગરીને અનામત માત્ર શિક્ષણ અને રોજગારના ક્ષેત્રોમાં જ લાગુ છે. વરુણ પટેલે માગ કરી છે કે અન્ય પછાત વર્ગ અનામતની જેમ જ ઇડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત મળવું જોઈએ. સરકારે આ મામલે ઝવેરી કમિશન અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશોનો અભ્યાસ કરીને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે. વરુણ પટેલે આશા વ્યક્ત કરી છે કે “અમને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ઈઉજી અનામત લાગુ પાડવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજના આ યુવા આગેવાનોની આ રજૂઆતો સરકાર ક્યારે અને કેવી રીતે અમલમાં મૂકે છે, તેના પર સમગ્ર સમાજની નજર ટકેલી છે.

