દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને ઈ૧૦ પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રાખવા માંગણી
New Delhi, તા.૧૧
ઈ૨૦ પેટ્રોલને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે, જેના પર સરકાર તરફથી જવાબો પણ આવી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ઈ૨૦ પર અરજીકર્તાએ એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા એક જનહિત અરજી (ૈઁંન્) દાખલ કરી છે. આ અરજીમાં સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરવામાં આવી છે કે, દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને ઈ૧૦ (૧૦% ઇથેનોલ-બ્લેન્ડેડ) પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રહેવું જોઈએ, જેથી ગ્રાહકોને સ્પષ્ટપણે પસંદગી કરવાની તક મળી શકે.સુપ્રીમ કોર્ટ પાસે અરજીકર્તાની માંગ છે કે, કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે, તેઓ તમામ ફ્યુઅલ ડિસ્પેન્સિંગ યુનિટ્સ (ઇંધણ ભરવાના મશીનો) પર ઇથેનોલની માત્રા વિશે ફરજિયાતપણે લેબલ લગાવે, જે ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાઈ શકે. સાથે જ એવા અગ્રણી સાઇનબોર્ડ લગાવવામાં આવે, જે ગ્રાહકોને એ માહિતી આપે કે, તેમનું વાહન તે ઇંધણ માટે સુસંગત છે કે નહીં.અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવે કે, આ વિવાદિત નીતિ લાગુ કરતાં પહેલાં, તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો, ખાસ કરીને ૨૦૨૩ પહેલાં બનેલા અને હાલના સમયે ભારતીય રસ્તાઓ પર ચાલી રહેલા વાહનોને કોઈ યોગ્ય વીમા યોજના (ઇન્સ્યોરન્સ) હેઠળ પૂરતો કવરેજ આપવામાં આવે. કેન્દ્ર સરકારને એવો પણ નિર્દેશ આપવામાં આવે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તથા અન્ય સક્ષમ સત્તાધિકારીઓની લાગુ નીતિઓ અને ભલામણો અનુસાર ઈ૨૦ ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલના ખર્ચમાં પ્રતિ લીટર ૫૦-૫૫ નું યોગદાન આપે.હવે આ મામલે રાજકીય ઘમાસણ પણ તેજ થઈ ગયું છે. શુક્રવારના રોજ ઇન્ડિયન યુથ કોંગ્રેસે ઈ૨૦ ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ પોલિસી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર એવું પગલું ભરી રહી છે, જેનાથી વાહનોને નુકસાન થાય છે, અને ઇથેનોલ બનાવતી કંપનીઓને ફાયદો થાય છે. આ વિરોધ પ્રદર્શનમાં ઇથેનોલ ઉત્પાદનના પ્રતિક તરીકે શેરડીના રસનું મશીન લાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હવામાં ૨૦૦ રૂપિયાની નકલી નોટો પણ ઉડાવી હતી.

