New Delhi, તા.9
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંડિયન પ્રીમિયર લીગ દરમિયાન મેદાન પર શિસ્ત જાળવવા માટે નવા અને કડક નિયમો અમલમાં મુકાયા છે. ખાસ કરીને બેન્ચ પર બેઠેલા અને પ્લેઇંગ ઇલેવનની બહારના ખેલાડીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે મેચ પહેલા આપવામાં આવતી 16 ખેલાડીઓની યાદીમાં સમાવિષ્ટ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી મળશે.
નવી માર્ગદર્શિકા અનુસાર, 16 ખેલાડીઓની યાદીમાં નામ ન હોય તેવા કોઈપણ ખેલાડી માટે મેદાનમાં જવું કે બાઉન્ડ્રી પાસે ઉભા રહેવું સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. અગાઉ ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ ડ્રિંક્સ, મેસેજ કે સાધનો આપવા માટે મેદાનમાં જતા હતા, પરંતુ હવે આ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. બાઉન્ડ્રી નજીક વધુમાં વધુ 5 ખેલાડીઓને જ બિબ્સ પહેરીને બેસવાની અથવા ઊભા રહેવાની મંજૂરી મળશે અને તેઓ પણ અધિકૃત યાદીના ભાગ હોવા જોઈએ.
મેચ દરમિયાન સમય બગાડ અટકાવવા માટે ડ્રિંક્સ બે્રકના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે. હવે અમ્પાયરની મંજૂરી વગર મેદાનમાં ડ્રિંક્સ લઈ જવાની મનાઈ રહેશે. ખેલાડીઓને પાણી માત્ર બાઉન્ડ્રી નજીક અથવા વિકેટ પડ્યા પછી જ આપવામાં આવશે.
ડ્રિંક્સ લઈ જનાર ખેલાડીએ ટીમનો સત્તાવાર યુનિફોર્મ પહેરવો ફરજિયાત રહેશે. ટીમ મેનેજમેન્ટને ખાસ સૂચના આપવામાં આવી છે કે ડ્રિંક્સના બહાને મેચનો સમય બગાડ ન થાય.

