Upleta, તા.23
ઉપલેટા શહેરમાં લગ્નના નામે છેતરપિંડી કરતી એક ટોળકીએ ૨૨ વર્ષીય યુવાનને શિકાર બનાવી કુલ રૂ. ૫,૫૦,૦૦૦ ની મત્તાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પત્ની અને તેના પરિવારના સભ્યો લગ્નના ગણતરીના દિવસોમાં જ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયા છે જે બાબતની ભોગ બનનાર યુવા કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી શબીરહુશેન જુબેરભાઈ કાદરીએ નોંધાવેલી વિગત મુજબ, તેઓ લગ્ન માટે છોકરીની શોધમાં હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના માલેગાંવ અને ભીવંડીના એજન્ટો (ગુલજારભાઈ અને ફાતેમાબેન) ના સંપર્ક દ્વારા તેમને હિના મુસ્તફા ખાન નામની યુવતી બતાવવામાં આવી હતી. એજન્ટોએ યુવતીના ભરોસો આપતા શબીરહુશેને લગ્ન માટે હા પાડી હતી.
લગ્ન નક્કી થતા ફરિયાદીએ એજન્ટ ગુલજારભાઈને રૂ. ૮૦,૦૦૦ ગૂગલ પે દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ તા. ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ ભીવંડી મુકામે નિકાહ થયા હતા, જ્યાં યુવતીની બહેન અલ્ફીયાને રૂ. ૨,૭૦,૦૦૦ રોકડા આપવામાં આવ્યા હતા. લગ્ન બાદ ફરિયાદી પત્ની હિનાને લઈને ઉપલેટા રહેવા આવ્યા હતા. ગત તા. ૨૯/૦૯/૨૦૨૫ ના રોજ હિનાના પિતા મુસ્તફા ખાન, બહેન અલ્ફીયા અને સહેલી જીન્નત ઉપલેટા મહેમાન બનીને આવ્યા હતા. ફરિયાદી જ્યારે તેઓ માટે મીઠાઈ લેવા બજારમાં ગયા, ત્યારે તકનો લાભ ઉઠાવી પત્ની હિના તેના પરિવારજનો સાથે ભાગી ગઈ હતી
જ્યારે ફરિયાદીએ ઘરમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પત્ની અને તેની ગેંગ સોનાનો હાર (૧ નંગ), સોનાની બંગડીઓ (૨ નંગ), સોનાની નથ અને ચાંદીના સાંકળા, રૂ. ૫૦,૦૦૦ રોકડા આમ, લગ્ન પેટે આપેલા નાણાં અને ઘરેણાં મળીને કુલ રૂ. ૫.૫૦ લાખની છેતરપિંડી થઈ છે તેવું જણાવ્યું છે. આ મામલે ઉપલેટા પોલીસે કુલ ૬ આરોપીઓ (ગુલજારભાઈ એજન્ટ, ફાતેમાબેન એજન્ટ, હિના, મુસ્તફા ખાન, અલ્ફીયા અને જીન્નત) વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), અને ૬૧(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એ.એસ.આઈ. ભોળાભાઈ કેશાભાઇ ગોહેલ ચલાવી રહ્યા છે.

