Upleta,તા.૨૫
જુગારના દૂષણને નેસ્તનાબૂદ કરવાની મળેલ સૂચના અન્વયે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ભાયાવદર પોલીસે કુલ ૬ શખ્સોને રૂ. ૨.૭૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
આ બાબતમાં મુખ્ય વ્યક્તિ અતુલભાઈ માવજીભાઈ વાછાણી ભાજપના અગ્રણી છે, અને ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પત્ની માયાબેન અતુલભાઈ વાછાણી હાલ ભાયાવદર નગરપાલિકામાં ભાજપ પક્ષના સદસ્ય છે, અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે. પોતાના જ ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી ભાયાવદર પોલીસને મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલભાઈ માવજીભાઇ વાછાણી (રહે. મયુરનગર, ભાયાવદર) – મુખ્ય સંચાલક, ચંદ્રેશભાઇ જેન્તીભાઈ વાછાણી (રહે. રોકડ શેરી, ભાયાવદર), દીનેશભાઈ શાંતીલાલ કનેરીયા (રહે. ખીજડા શેરી, ભાયાવદર), હિરેનભાઈ રમણીકભાઈ માકડીયા (રહે. પ્લોટ વિસ્તાર, ભાયાવદર), જયેશભાઈ ગોરધનભાઈ ભાલોડીયા (રશ્મિ કટલેરી વાળા, રહે. રોકડ શેરી, ભાયાવદર) તેમજ અન્ય એક સિનિયર સિટીઝન કીશોરભાઇ લખમણભાઇ માકડીયા (રહે. કૃષ્ણનગર સોસાયટી, ભાયાવદર) સીનિયર સિટીઝન હોવાથી તેમને નોટિસ આપીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે : પોલીસ દ્વારા નોંધેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૪ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજી પત્તા વડે ’તેરપતી સીકી ડીકી’ નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.
આ રેડ દરમિયાન રોકડ રકમ રૂ. ૧,૦૪,૫૧૦, મોબાઈલ ફોન ૦૬ નંગ કિંમત રૂ. ૪૦ હજાર, ૪ મોટરસાયકલની કિંમત રૂ. ૧.૩૦ લાખ સહિત પોલીસે કુલ રૂ. ૨,૭૪,૫૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રાજનેતાના ઘરે ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.સી. પરમાર તથા એએસઆઇ રોહિત વાઢેળ સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ એએસઆઇ રોહિત વાઢેળ ચલાવી રહ્યા છે.

