Amreli તા.17
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય છે. ત્યારે લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડવાના બનાવે વિવાદ સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લઈ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના જમાઈ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ પોલીસને અપાયેલ અરજીમાં અજાણ્યા સામે ગુન્હો દાખલની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા જેનિબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલાં જ કોંગેસ પાર્ટીના બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે. તેમણે આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે.
કોંગ્રેસના આક્ષેપ મુજબ, કોંગ્રેસ પાર્ટીક્ષશ ઉમેદવારી પાછી ખેંચાવવા માટે અનેક પ્રયાસો થયા હોવા છતાં તે નિષ્ફળ રહ્યા છે. જેના પગલે ચૂંટણીમાં તણાવ વધુ વધ્યો હોવાનું કહેવામાં આવે છે.
આ ઉપરાંત, કોંગ્રેસના વડીલ ઉમેદવાર શાંતુંબેન ડેરના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલાં જ પોસ્ટરો ફાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે માયાભાઈ આહિરના જમાઈ દ્વારા આ તોડફોડ કરી હોવાનું સોશિયલ મીડિયા પોસ્ટમાં લખાયું છે. પરંતુ પોલીસને અપાયેલ અરજીમાં અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરવામાં આવ્યાનું જણાવેલ છે.
ચાવંડ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર તેમના કુટુંબની જ વડીલ મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં અનોખી પરિસિ્થતિ ઊભી થઈ છે.
આ સમગ્ર મામલમાં જેમનાં ઉપર આક્ષેપ કરાયા છે તેમનાં તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, પરંતુ પોસ્ટર ફાડવાના બનાવે રાજકીય ગરમાવો વધુ તેજ કર્યો છે. ચૂંટણી નજીક આવતાં આ પ્રકારના બનાવો રાજકારણને વધુ ઉગ્ર બનાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

