Una, તા. 3
ગીરગઢડા રેલવે સ્ટેશન પર દેલવાડા-જૂનાગઢ ટ્રેન ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ થયું છે. ગ્રામ પંચાયતના સરપંચ મધુ મહિડાએ આ ઉપવાસ આંદોલનનું નેતૃત્વ કર્યું છે.
રેલવે વિભાગ દ્વારા દેલવાડા-જૂનાગઢ ટ્રેન બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત, દેલવાડા-વેરાવળ ટ્રેનના સમય માં પણ ફેરફાર કરાયો હતો, જેના કારણે સમગ્ર નાઘેર પંથકમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આવેદનપત્રો આપી અને ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.રેલવે વિભાગે દેલવાડા-વેરાવળ ટ્રેનનો જૂનો સમય પુનઃસ્થાપિત કર્યો, પરંતુ દેલવાડા-જૂનાગઢ ટ્રેન ફરી શરૂ કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. આ ટ્રેન સ્થાનિક લોકો માટે આશીર્વાદરૂપ હતી.
સરપંચ મધુ મહિડાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેલવાડા-જૂનાગઢ ટ્રેન ફરી શરૂ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે, બંધ કરાયેલી ટ્રેન શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી,
તેમ છતાં રેલવે વિભાગે કોઈ ધ્યાન આપ્યું નથી.આ પ્રતીક ઉપવાસ આંદોલનમાં ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઈ ગાંધી, અનિલભાઈ વિઠલાણી, બાલુભાઈ હીરપરા,રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો જોડાયા છે. આગામી દિવસોમાં જો રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ આંદોલનમાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

