અતિભારે વરસાદ દરમિયાન જળભરાવ અને સંભવિત ટ્રેક ધોવાણની આશંકા થશે ઓછી, રેલ પરિચાલન રહેશે અવિરત
Rajkot તા.૧૯
રાજકોટ. મુસાફરોની સુરક્ષા અને રેલ સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ડિવિઝનના દ્વારકા-ભીમરાણા સેક્શનમાં વધારાના જળ નિકાલ માર્ગ (નાળા)નું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જેનાથી ચોમાસા દરમિયાન જળ નિકાલ વ્યવસ્થા વધુ અસરકારક અને મજબૂત બનશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ થવા પર પાણીનો પ્રવાહ વધી જાય છે, જેના કારણે રેલવે ટ્રેક આસપાસ જળભરાવ અને ધોવાણ જેવી પરિસ્થિતિઓ સર્જાવાની આશંકા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડિવિઝન દ્વારા દ્વારકા-ભીમરાણા સેક્શનમાં ૩ મીટર ૧.૮ મીટર કદના એક વધારાના જળ નિકાલ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વધારાનો જળ નિકાલ માર્ગ વરસાદી પાણીના પ્રવાહને વધુ સુચારુ અને નિયંત્રિત બનાવવામાં મદદરૂપ થશે તેમજ ભારે વરસાદ દરમિયાન પાણી નિકાલની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.આ કાર્ય પૂર્ણ થવાથી ટ્રેક પર જળભરાવ તેમજ સંભવિત ધોવાણ (બ્રીચ)ની આશંકા ઓછી થશે અને રેલવે સંરચનાઓની સુરક્ષાને વધુ મજબૂતી મળશે. સાથે જ, ચોમાસા દરમિયાન રેલ વ્યવહારના સુરક્ષિત અને અવિરત સંચાલનમાં પણ મદદ મળશે.
રાજકોટ ડિવિઝન દ્વારા ચોમાસાના પગલે સંવેદનશીલ સ્થળો પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ સંરક્ષા સંબંધિત વિવિધ કાર્યોને પ્રાથમિકતાના આધારે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. દ્વારકા-ભીમરાણા સેક્શનમાં નિર્મિત આ વધારાનો જળ નિકાલ માર્ગ આ જ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

