(એચ.એસ.એલ),Ambaji,તા.૨૨
વિશ્વ પ્રસિદ્ધ માઁ અંબાના ધામમાં દુનિયાના ખેણેખૂણાથી લોકો દર્શને આવતા હોય છે, જેમાં નેતાઓ સંતો અને કલાકારો પણ માતાજીના ચરણોમાં માથું ઝુકાવવા પહોચતા હોય છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ માઁ અંબાના દર્શને પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં માથું નમાવી રાજસ્થાન, ગુજરાત સહિત સમગ્ર દેશની જનતાની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગત મોડી સાંજે જ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે આવી પહોંચ્યા હતા અને માઉન્ટ આબુ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ માઉન્ટ આબુમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાતને પગલે અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાન અને ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
અંબાજી પહોંચતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ખેસ ચુંદડી ઓઢાડી અને તિલક કરી આવકાર્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સૌપ્રથમ મંદિરમાં આવેલા સિધ્ધિ વિનાયકના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. જે બાદ જગતજનની અંબાજી માતાના ખાસ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીને મંદિરના મહારાજ દ્વારા પણ ખાસ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અંબાજી મુલાકાત દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રોટોકોલ મુજબ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સાથે જ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોની પોલીસ દ્વારા પણ સુરક્ષાને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

