સારા વર્તનને પગલે ગૃહ વિભાગ અને જેલ વડાના આદેશથી બાકીની સજા માફ ; જેલ અધિક્ષકે પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી
Rajkot તા.૧૪
રાજ્યના જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના હકારાત્મક અભિગમ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને તેના સારા વર્તનને પગલે બાકીની સજા માફ કરી કાયમી ધોરણે જેલમુક્ત કરવામાં આવ્યા છે. ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવનાર કેદીને જેલ પ્રશાસન દ્વારા પુસ્તક ભેટ આપી સમાજમાં નવી શરૂઆત કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના જેલ વડા ડૉ. કે. એલ. એન. રાવના સકારાત્મક પ્રયાસો અને ડીઆઈજી ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાંબી સજા ભોગવી રહેલા અને સારો જેલ રેકોર્ડ ધરાવતા કેદીઓની વહેલી જેલમુક્તિ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત, રાણાવાવ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૮ના હત્યાના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી વધુ સમયથી આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના કેદી ફતેસિંહ ઉર્ફે રામલાલ રામભાઈ ચૌહાણની વહેલી મુક્તિનો આદેશ થયો હતો.
સરકારના ગૃહ વિભાગ અને જેલોના વડાની કચેરીના તા. ૧૩/૦૭/૨૦૨૬ના હુકમ અનુસાર, જરૂરી શરતોને આધીન રહીને તેમની બાકીની સજા માફ કરી આજે તેમને જેલમુક્ત કરાયા છે.જેલમુક્તિ વેળાએ રાજકોટ જેલના અધિક્ષક વી. પી. ગોહિલ દ્વારા કેદી ફતેસિંહને સમાજમાં પુનઃસ્થાપિત થવા અને નવી સુધારેલી જિંદગી જીવવા માટે પ્રોત્સાહન રૂપે પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાનૂની અને વહીવટી પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જેલ અધિક્ષકે જેલની જ્યુડિશિયલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. ઝાલા, જેલર કિરણસિંહ સિસોદિયા, સ્ટાફના સભ્યો જયેશભાઈ કમેજળીયા અને મિતભાઈ કથિરીયાની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

