૧૧ ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
જનાના હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ સેવા સંકલ્પ અભિયાન હેઠળ સેવાસેતુ કાર્યક્રમોમાં કીટનું વિતરણ
Rajkot , તા. ૧૦ઃ
૧૧ ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. સમાજમાં દીકરીના અસ્તિત્વ, સન્માન, શિક્ષણ અને તેના અધિકારોની ઉજવણી કરવાનો અવસર. દીકરીઓનું ગૌરવ અને સન્માન એ પ્રગતિશીલ સમાજની ઓળખ છે. ભારત સરકારની બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દ્રઢ બને અને દીકરીના જન્મને એક ગૌરવશાળી ક્ષણ તરીકે વધાવવામાં આવે, તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
દીકરીનો જન્મ એ જ ઘરનો સૌથી મોટો ઉત્સવ છે. ત્યારે દીકરીઓના આગમનને આવકારવા માટે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના ૦૬ માસ દરમિયાન ૧૦૦થી વધુ નવજાત દીકરીઓને કીટની ભેટ આપીને તેમના પ્રેમસભર વધામણાં કરવામાં આવ્યા છે. જનાના સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત સેવાસેતુ કાર્યક્રમોમાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અન્વયે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કિશોરી મેળો, માસિક સ્વચ્છતા, સાયબર સેફ્ટી, બાળલગ્ન નાબૂદી અને દીકરીઓના કાનૂની અધિકારો જેવા મહત્ત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપીને સમાજમાં દીકરો-દીકરી એક સમાનનો સંદેશ આપવામાં આવે છે.
દીકરી એ કુદરતની શ્રેષ્ઠ ભેટ છે. ગુજરાત સરકાર દરેક દીકરીને જન્મથી જ સન્માન, પોષણ, શિક્ષણ, સુરક્ષા અને રોજગારની સમાન તકો મળે અને દીકરી બચાવો, દીકરી ભણાવોનો મંત્ર ચરિતાર્થ થાય તેવા સંકલ્પ સાથે સતત કાર્યરત છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે દીકરીઓના સપનાને પાંખો આપીએ, તેમને આદર આપીએ, તેમને શિક્ષણ અને સન્માન આપીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારીએ!
દીકરી વધામણાં કીટમાં સામાન્ય રીતે આરામદાયક કપડાં, મચ્છરદાની સાથેનું બેબી બ્લેન્કેટ, સાબુ, પાવડર અને તેલ જેવી બેબી કેર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, માતા-બાળકીના પોષણ માટે પૌષ્ટિક આહાર તથા મહિલા કલ્યાણલક્ષી સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવે છે. આમ, દીકરીના જન્મ નિમિત્તે સરકાર તરફથી આપવામાં આવતી કીટ જાણે નવજાત બાળકીના આરોગ્ય, પોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર તરફથી પાઠવવામાં આવેલા સ્નેહપૂર્ણ આશીર્વાદ છે.

