(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli
લીલીયા તાલુકાના સલડી ગામે ઓવરલોડ રેતી ભરેલા ટ્રક સામે મામલતદારે કાર્યવાહી હાથ ધરી ખનિજ વિભાગને દંડાત્મક કાર્યવાહી માટે પત્ર લખ્યો છે. તપાસ દરમિયાન ટ્રકમાં પરમિટ કરતાં આશરે બે ટન વધુ રેતી ભરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. ટ્રકમાં નંબર પ્લેટ પણ ન હોવાનું તેમજ લીલીયામાં વે-બ્રિજ કાર્યરત ન હોવાથી વજન કરાવી શકાયું ન હોવાનું મામલતદારના પત્રમાં જણાવાયું છે.
લીલીયા તાલુકાના સલડી ગામે રોડ ઉપર સાદી રેતી ભરેલા ટ્રકને અટકાવી તપાસ કરતાં ઓવરલોડનો મામલો સામે આવ્યો છે. લીલીયા મામલતદાર દ્વારા ખાણ-ખનિજ વિભાગને પત્ર પાઠવી ટ્રક સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
મામલતદારના પત્રમાં જણાવ્યા મુજબ સલડી ગામે રોડ ઉપર સાદી રેતી ભરેલા ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક ચાલક પાસે ફિઝિકલ રોયલ્ટી પાસ/પરવાનગી રજૂ કરવામાં આવી ન હતી. ત્યારબાદ વાહન માલિક દ્વારા પરવાનગી રજૂ કરવામાં આવી હતી. રજૂ થયેલી પરમિટમાં ૧૦ ટન ક્વોરીની મંજૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
જોકે ટ્રકમાં ભરેલા માલ-સામાનની પ્રાથમિક તપાસ કરતાં વાહન ઓવરલોડ હોવાનું જણાયું હતું અને પરમિટમાં દર્શાવેલી ક્ષમતા કરતાં અંદાજે બે ટન જેટલો વધુ માલ ભરેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે પ્રાથમિક કાર્યવાહી માટે ટ્રકને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહન ચાલક ટ્રકને કચેરી ખાતે મૂકી જતો રહ્યો હોવાનું પણ પત્રમાં જણાવાયું છે. બાદમાં અન્ય ઇસમો કચેરી ખાતે હાજર થઈ વાહનની આર.સી. બુક તેમજ રોયલ્ટી પાસ રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન ટ્રકમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
લીલીયા ખાતે હાલમાં વે-બ્રિજ કાર્યરત ન હોવાથી વાહનનું વજન કરાવી શકાયું ન હતું. તેમ છતાં ટ્રકમાં ભરેલી રેતી પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરલોડ હોવાનું જણાતાં રજૂ થયેલી રોયલ્ટી પરમિટ તથા અન્ય દસ્તાવેજોની વિશેષ ચકાસણી કરી નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવા મામલતદારે ખનિજ વિભાગને જાણ કરી છે. હાલ આ ટ્રક લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ હેઠળ નિયમસર કાર્યવાહી કરવા ખાણ-ખનિજ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

