તા. ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે શહેરના ૧૬ કેન્દ્રો પરથી મૂર્તિઓનું વિતરણ
રજીસ્ટ્રેશન ન કરાવી શકેલા નાગરિકો પણ નહીં નફો, નહીં નુકશાનના ધોરણે રૂ. ૫૦૦માં મૂર્તિ મેળવી શકશે
Rajkot ,તા.૧૧
રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે રાજકોટ શહેરમાં માટીના ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સૌપ્રથમ વખત આયોજિત આ પર્યાવરણમૈત્રી અભિયાનને નાગરિકો, સામાજિક સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી ૨૫૦થી વધુ શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
આ અભિયાન અંતર્ગત કુલ ૧૦,૦૦૦ માટીની ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવની ઉજવણી થાય અને ગણેશજીની મૂર્તિના વિસર્જનથી જળપ્રદૂષણ ન થાય તે હેતુથી આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.
૧૬ કેન્દ્રો પરથી બે દિવસ મૂર્તિ વિતરણ
ઓનલાઈન નોંધણી કરાવનાર નાગરિકોને શુક્રવાર, તા. ૧૧ અને શનિવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧૦૦થી બપોરે ૨૦૦ કલાક સુધી તથા બપોરે ૩૦૦થી સાંજે ૬૦૦ કલાક સુધી ફાળવવામાં આવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી માટીની ગણપતિજીની મૂર્તિ આપવામાં આવશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે મળેલી પહોંચ સાથે લાવવી ફરજિયાત રહેશે. દરેક નાગરિકે પોતાની પહોંચમાં દર્શાવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી જ મૂર્તિ મેળવવાની રહેશે.
આ ઉપરાંત, જે નાગરિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ પણ શહેરમાં નિયુક્ત કરવામાં આવેલા ૧૬ કેન્દ્રો ખાતેથી નહીં નફો, નહીં નુકશાનના ધોરણે રૂ. ૫૦૦/-માં ગણપતિજીની માટીની મૂર્તિ મેળવી શકશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ વિતરણ કેન્દ્રો
નાગરિકોને સરળતાથી મૂર્તિ મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નીચે મુજબના ૧૬ વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે
૧. મહાત્મા ગાંધી સ્કૂલ નાના મવા મેઇન રોડ, ૨. ન્યુ એરા સ્કૂલ સોજીત્રાનગર મેઇન રોડ, ૩. શુભમ ગ્લોબલ સ્કૂલ અનંતીકા પાર્ક, ૪. ભૂષણ સ્કૂલ કુવાડવા રોડ, ૫. સેટેલાઇટ સ્કૂલ મોરબી રોડ, ૬. ગોલ્ડન ઓક સ્કૂલ સ્વાતી પાર્ક, ૭. ઉદયમ સ્કૂલ પુનીતનગર, ૮. સર્વોદય સ્કૂલ કેમ્પસ, ૯. જિનિયસ સ્કૂલ કાલાવડ રોડ અને ન્યુ રીંગ રોડ, ૧૦. પુષ્પાર્થ સ્કૂલ ગાંધીગ્રામ, ૧૧. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દેવનગર, ૧૨. પી.વી. મોદી સ્કૂલ ઈન્દ્રપ્રસ્થનગર, ૧૩. રોજરી સ્કૂલ રૈયા રોડ, ૧૪. તપોવન પુનીતનગર, ૧૫. આત્મિય કોલેજ કાલાવડ રોડ, ૧૬. શહેરના અન્ય નિયુક્ત વિસ્તારમાં આવેલ વિતરણ કેન્દ્ર.
વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ સ્ટોલ
ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી, માટીની મૂર્તિઓના ઉપયોગ તથા મૂર્તિ વિસર્જનથી થતા જળપ્રદૂષણને અટકાવવા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાનપરા ચોક, સોરઠિયાવાડી ચોક અને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે વિશેષ જનજાગૃતિ સ્ટોલ કાર્યરત રહેશે.
આ સ્ટોલના માધ્યમથી નાગરિકોને પર્યાવરણમૈત્રી ગણેશોત્સવની ઉજવણી, માટીની ગણપતિજીની મૂર્તિના લાભ તથા વિસર્જન સમયે પર્યાવરણની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન અને સામાજિક સંદેશ આપવામાં આવશે.

