Surendranagar, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં `12 વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં, જનકલ્યાણનાં’ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ લોકાભિમુખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા અંગે વિગતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં યોજાનારી `જનકલ્યાણ શિબિર’ અને `સ્વચ્છતા સપ્તાહ’ ના સુચારૂ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે ઘન કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે SWM Rules-2026 (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો)ના ચુસ્ત અમલીકરણ અંગે પણ વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ગામડાંઓને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સરકારી તંત્રની સાથે લોકભાગીદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાના સ્તરને વધુ ઊંચું લાવવા અને સ્વચ્છતા સપ્તાહને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓને સક્રિય સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પદાધિકારીઓએ પણ ગ્રામીણ વિકાસ અને જનકલ્યાણનાં આ કાર્યોમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

