ઉલ્ટી-ઉબકા, ધક્કા-મુક્કીનું નાટક કરી પેસેન્જરોના ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી ટોળકીના ચાર સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે માધાપર ચોકડી પાસેથી દબોચી
રાજકોટ, વાંકાનેર, ચોટીલા, સાયલા, લીંબડી, માળીયા, વડોદરા, પાવાગઢમાં મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત
Rajkot તા.૧૪ઃ
રાજકોટ સહિત રાજ્યભરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી-ઉબકાનું નાટક કરી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી ગેંગના ચાર સભ્યોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર ચોકડી નજીકથી દબોચી લીધી હતી.
માધાપર ચોકડી બ્રીજ નીચેથી પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપીયાની ચોરી કરતી રીક્ષા ગેંગના ચાર શખ્સોને ઓટો રીક્ષા અને રોકડ રૂ.૪૦ હજાર મળી કુલ રૂ.૧.૪૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.પકડાયેલ શખ્સોમાં રોહિત ઈકુ કોઈડીયા (ઉ.વ.૨૦, રહે-ભગવતીપરા ત્રીમુર્તી ચોક), વિપુલ વિનોદ ડોડા (ઉ.વ.૨૧, રહે-ભગવતીપરા પુલ નીચે મંદિર વાળી શેરી), આકાશ કિશન વાણોદીયા સોલંકી (ઉ.વ.૨૫, રહે.ઘંટેશ્વર ૨૫ વારીયા દરગાહ પાછળ) અને પ્રકાશ ઉર્ફે બકુલ નથુ સોલંકી (ઉ.વ.૨૪, રહે.જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે) નો સમાવેશ થાય છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, રીક્ષામાં ડ્રાઇવર સહીત ટોળકીના અન્ય પાછળ બેસલ માણસ પણ સામેલ હોય અને પેસેન્જરને વચ્ચે બેસાડી બાદ ઉલ્ટી કરવાનું/ધક્કા મુકી કરવાનું નાટક કરી પેસેન્જરનું ધ્યાન ભટકાવી નજર ચુકવી રૂપીયા, પાકીટ વિગેરેની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.ચારેય આરોપીઓ વિરુદ્ધ દારૂ, પોકસો, અપહરણ, ઘરફોડ ચોરી, ચિલઝડપ સહિતના અનેક ગુના નોંધાયેલ છે.રાજકોટ, વાંકાનેર, ચોટીલા, સાયલા, લીંબડી, માળીયા, વડોદરા, પાવાગઢમાં મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત આપી હતી.

