Lucknow,તા.25
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિંકુસિંહ પોતાના પિતાની ગંભીર તબિયતને કારણે તાત્કાલિક ઉત્તર પ્રદેશ પરત ફર્યા છે. મળતી માહિતી મુજબ તેમના પિતા ખાંચંદ સિંહ ચોથા તબક્કાના કેન્સરથી પીડાઈ રહ્યા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમની સ્થિતિ અતિ નાજુક હોવાને કારણે ખેલાડીએ ટીમનું તાલીમ સત્ર છોડીને પરિવાર પાસે જવાનું નક્કી કર્યું છે.
આગામી મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં આ ઘટના બનતાં ટીમ માટે ચિંતા ઊભી થઈ છે. મધ્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ખેલાડીની ગેરહાજરીથી ટીમની બેટિંગ રચનામાં ફેરફાર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટીમ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી મુજબ તેઓ આવનારો મુકાબલો ચૂકી શકે છે. રિન્કુ સિંહના સ્થાને અક્ષર પટેલ અથવા સંજુ સેમસનનો સમાવેશ થઈ શકે છે.
તાજેતરના મુકાબલાઓમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સંભાળી હતી. તેમની ગેરહાજરી ટીમ માટે પડકારરૂપ બની શકે છે. ક્રિકેટપ્રેમીઓ તેમના પિતાના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓ જલ્દી મેદાન પર પરત ફરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

