Mahisagar,તા.૨૦
ગાંધીનગરના મોટા ઇસનપુરમાં રહેતા એક યુવકને મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની યુવતીએ લગ્નની લાલચ આપી ખાનપુર વિસ્તારમાં ઝેર ગામે બોલાવી જંગલ વિસ્તારમાં ખોટી રીતે લગ્ન વિધિ કરાવી દુલ્હનને આપેલ દાગીના અને રોકડ રકમ લઈ દુલ્હન અને તેનો ભાઈ મંદિરે દર્શન કરીને આવીએ કહી લૂંટેરી દુલ્હન સોનાના દાગીના અને રોકડ રકમ મળી ૧૧,૩૦,૦૦૦/- લઈ ફરાર થઈ જતાં બાકોર પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના રીંકેશકુમાર પટેલ લગ્ન માટે કન્યાની શોધમાં હતા, ત્યારે તેઓ પોયડાના જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા હતા. રાજુભાઈએ ખાનપુરના કુંભાયડી ગામે જ્યોતિ નામની યુવતી બતાવી લગ્ન નક્કી કરાવ્યા હતા. લગ્ન પૂર્વે સગાઈના સુકન, કપડાં અને જમણવારના નામે ટુકડે-ટુકડે મોટી રકમ પડાવવામાં આવી હતી.૧૬મી જાન્યુઆરીના રોજ રીંકેશકુમાર પરિવાર સાથે જાન લઈને પાંડરવાડા પહોંચ્યા હતા. તેઓને છેતરીને ઝેર-સિમલા ભાઠોડ ગામના જંગલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જ્યોતિને દુલ્હન તરીકે તૈયાર હતાં અને સમગ્ર દુલ્હનને લગ્ન માટે આપેલ સોનાના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થવાના ઇરાદે ખોટી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે રીંકેશકુમારના પિતાએ અંદાજિત છ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના પહેરાવ્યા હતા અને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા. તે દુલ્હન મંદિરમાં દર્શન કરવા જવું છે કહી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે આખુંય કાવતરું રચી માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તે પ્લાનમાં સફળ તો થઈ ગયા. ત્યારે આવી રીતે કેટલી વાર લગ્ન કરવાની લાલચમાં લૂંટેરી દુલ્હન બની ફરાર થઈ ગઈ, કેટલા લોકોને દુલ્હન બની ચૂનો લગાવ્યો છે તે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો’ તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. આખરે, યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા રીંકેશકુમારે જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા આ ’લુટેરી દુલ્હન’ અને તેની ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેમાં આવા અન્ય કેટલાય એવા બનાવો મહીસાગર જિલ્લામાં પણ જોવા મળ્યા છે. ત્યારે અગાઉ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન વાંચ્છુ યુવક અને તેના પરિવારજનો યેનકેન પ્રકારે આવી પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે. આવી જ રીતે માસ્ટર પ્લાન બનાવી યુવાનને ભોળવી તેમની સાથે છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ આણંદ જિલ્લામાં પણ પકડાયેલા ગેંગે અનેક સાથે છેતરપિંડી આચરી હતી. જેથી નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા મહીસાગર જિલ્લાની જનતાને એક મેસેજ આપતાં આવી લૂંટેરી દુલ્હનથી સતર્ક રહેવા અને આવી રીતે કોઈ પણ ભોગ બનેલા, છેતરાયેલા લોકો તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. સાત આરોપીમાંથી વચોટીઓ દલાલ અને ખાનપુર વિસ્તારના પતિ અને પત્ની મળી કુલ ત્રણ આરોપીઓની બાકોર પોલીસે ધરપકડ કરી છે.

