એક વામન કદના કાર્યકર્તાને નાયબ મુખ્યમંત્રીએ ઓછા કદને લઈને એવો જવાબ આપ્યો કે, વાહવાહી થઈ ગઈ
Morbi, તા.૧૮
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યકર્તા સાથેનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. સાથે જ તેઓએ મોરબીના કાર્યકરનો તેની ઓછા હાઈટને લઈને ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ કાર્યકર્તાની બાજુમાં બેસીને કહ્યું હતું કે, એમાં શું છે મારી હાઈટ પણ નાની છે!
૨૦-૨૫ વર્ષથી પક્ષ માટે કામ કરતા મોરબીના સામા કાંઠાના કાર્યકર સાથે હર્ષ સંઘવીનો સંવાદ વાયરલ થયો છે. મોરબીના કાર્યકરે નાની હાઈટ અંગેની વ્યથા નાયબ મુખ્યમંત્રીને જણાવી હતી. જેના બાદ હર્ષ સંઘવીએ હસતા મુખે જવાબ આપી દિલ જીતી લીધા. નાની હાઈટને કારણે થતી અવગણનાના જવાબમાં સંઘવીએ કહ્યું- કામગીરી એવી છે કે લોકો સામેથી બોલાવશે. એમાં શું છે મારી હાઈટ પણ નાની છે!
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “હાઈટમાં શું? મસ્ત લુક છે તમારો!” આ કાર્યકરની વાત સાંભળી હર્ષ સંઘવીએ સાથે ફોટો પડાવ્યો હતો. સાથે જ નવી બસોની સુવિધા મળતા કાર્યકરે ગાંધીનગરની મુલાકાતને યાદ કરી સરકારનો રઆભાર માન્યો હતો. મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા અને ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાના છે. આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.

