Sabarkantha ,તા.૨૨
Sabarkantha જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સપ્તેશ્વર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. દશા માતાના પવિત્ર પર્વ નિમિત્તે મૂર્તિ વિસર્જન કરવા આવેલા બે શ્રદ્ધાળુ યુવકોના સાબરમતી નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો.
મળેલી પ્રાથમિક વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના રહીશ એવા બે યુવકો વહેલી સવારે દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા-અર્ચના કર્યા બાદ નદીના પાણીમાં મૂર્તિ પધરાવતી વખતે અચાનક પગ લપસી જતાં અથવા પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઈડર, હિંમતનગર અને વિજાપુર – એમ ત્રણ અલગ-અલગ વિસ્તારોની ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને સ્થાનિક મરજીવાઓએ નદીના વહેણમાં વ્યાપક શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
કલાકોની જહેમત બાદ રેસ્ક્યૂ ટીમને બંને યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. બંને યુવકોને નિશ્ચેત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકો મહેસાણા જિલ્લાના હોવાનું ખુલતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ મૃતકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા ધાર્મિક સંગમ અને વિસર્જન સ્થળો પર લોકોને નદીના ઊંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

