Vadodara, તા.૧૪
વડોદરા શહેર અને જિલ્લામાં સામી દિવાળીએ જ રેશનિંગ દુકાનો પરથી સિંગતેલ મેળવતા અનેક ગ્રાહકોને તેલ નહીં મળે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સિંગતેલ મેળવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સરખામણીએ પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારોને ૨૦થી ૪૦ ટકા જેટલો ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેના કારણે રેશનિંગ દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે રોજેરોજ ઘર્ષણ અને અથડામણ થાય તેવા સંજોગો ઊભા થયા છે.
દિવાળીના તહેવારો માટે વિતરણ કરવાનું થતું સિંગતેલ ચાલુ ઓક્ટોબર માસમાં આપવામાં આવી રહ્યું છે. સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પાસેથી ૧૦૦ ટકા મુજબ જથ્થાના નાણાં ભરાવી લેવામાં આવ્યા છે. જોકે, પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં જમા લઈ લીધા બાદ પણ દુકાનો પર માત્ર ૬૦થી ૮૦ ટકા જેટલો જ તેલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.
તહેવારના દિવસોમાં જ દુકાનદારોના ૨૦ ટકા તેલના પૈસા સરકારે અટકાવી દીધા હોવાનો અને આ નાણાં ક્યારે પરત મળશે તેની કોઈ નિશ્ચિતતા ન હોવાનો આક્ષેપ દુકાનદારો કરી રહ્યા છે.
રેશનિંગ દુકાનો પર ૧૦૦ ટકા કાર્ડધારકો સામે માત્ર ૮૦ ટકા લોકોને જ વહેલા તે પહેલાના ધોરણે તેલ મળી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. બાકી રહી ગયેલા કાર્ડધારકોને દિવાળી જેવા પર્વમાં જ સિંગતેલ નહીં મળતાં તેઓ પોતાનો આક્રોશ દુકાનદારો પર ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો કોઈ કાર્ડધારક ઓનલાઈન ફરિયાદ કરે તો ઊલટા ચોર કોટવાળને દંડે જેવો ઘાટ સર્જાય છે, કારણ કે પુરવઠા વિભાગ ઊલટાનું દુકાનદારને જ પૂછશે કે કાર્ડધારકને તેલ કેમ આપ્યું નથી.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી અને જો એવી સ્થિતિ હશે તો તેમની માગણી મુજબનો પૂરો જથ્થો પૂરો પાડવામાં આવશે.
પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૯૭ના દરે ૧ લિટર સિંગતેલનું પાઉચ રેશનિંગ દુકાનદારોને આપવામાં આવે છે, જ્યારે દુકાનદારો લાભાર્થીઓને રૂ. ૧૦૦ના દરે તેનું વેચાણ કરે છે. સમગ્ર રાજ્યમાં રેશનિંગ દુકાનો મારફતે જે સિંગતેલનું વિતરણ થાય છે, તે ૧ લિટરનું પાઉચ ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ બ્રાન્ડનું છે. પાટણ જિલ્લાની આ કંપનીના ચેરમેન બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે, જેઓ રાજ્ય સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ આ કંપનીના એમડી (સ્ડ્ઢ) છે.

