Vadodara,તા.૧
આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવવામાં આવેલો ૫૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ મામલે ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવી છે અને ગાંજા સહિત ૨૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસ પૂછપરછમાં ગાંજો બચુભાઈ ડોસુભાઈ સિંધાએ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બચુભાઈ સિંધા અને મુસ્તાક મલેક હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા ગાંજાના જથ્થા સામે પાદરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાદરા પોલીસને આંતી ગામમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ૫૫ કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંજાનો આ જથ્થો તબેલામાં ખાડો ખોદીને છુપાવી રાખવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે ગાંજાના જથ્થા સાથે ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી દ્વારા ગાંજાનો જથ્થો વેચાણ માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો. તબેલામાં ખાડો ખોદીને તેમાં ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા ગાંજા સહિત કુલ ૨૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મોબાઇલ ફોન, રોકડ રૂપિયા ૩૭૦ અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો પણ સામેલ છે. પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપી ઇલ્યાસ મલેકએ ગાંજો બચુભાઈ ડોસુભાઈ સિંધાએ આપ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. આરોપીના આ નિવેદનના આધારે હવે પોલીસે અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં મુસ્તાક રહીમભાઈ મલેક અને બચુભાઈ ડોસુભાઈ સિંધા હાલ ફરાર છે.
ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પાદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલા ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેક સામે અગાઉ પણ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉના ગુનાની વિગતો તેમજ હાલના કેસમાં આરોપીની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

