Mumbai,તા.16
બર્મિંગહામ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની વાપસી પર સૌની નજર હતી, પરંતુ ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગથી મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર 75 બોલમાં 80 રનની કેપ્ટનશીપ ઇનિંગ્સ રમીને તેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી, જોકે કમનસીબે તે રિટાયર્ડ હર્ટ થવાને કારણે સદી ચૂક્યો હતો.
જોકે આ શાનદાર ઇનિંગ્સનો મોટો ફાયદો શુભમન ગિલને તાજેતરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા ODI બેટિંગ રેન્કિંગમાં મળ્યો છે, જ્યાં તે વિશ્વનો નંબર-1 બેટ્સમેન બનવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે.
બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલને 12 રેટિંગ પોઇન્ટ્સનો ફાયદો થયો છે. આ સાથે જ હવે તેના કુલ 803 પોઇન્ટ્સ થઈ ગયા છે. હાલમાં તે રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે, પરંતુ પ્રથમ સ્થાને બિરાજમાન ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ અને ગિલ વચ્ચેનો તફાવત હવે ઘટીને માત્ર 11 પોઇન્ટ્સનો જ રહી ગયો છે.
હાલના સમયે ન્યૂઝીલેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં 5 મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં ડેરિલ મિચેલ અને શુભમન ગિલ વચ્ચે નંબર-1 તાજ મેળવવા માટે જોરદાર સ્પર્ધા જોવા મળશે.
ભારતીય કેપ્ટન શુભમન ગિલ પાસે 16 જુલાઈના રોજ કાર્ડિફ ખાતે રમાનારી બીજી વનડે મેચમાં બેવડી સિદ્ધિ હાંસલ કરવાની સુવર્ણ તક છે. જો તે આ મેચમાં મોટો સ્કોર બનાવશે તો ડેરિલ મિચેલને પાછળ છોડીને વનડે રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની શકે છે.
આ ઉપરાંત, કેપ્ટન તરીકે વિદેશી ધરતી પર શ્રેણી જીતવાનો પણ આ એક શ્રેષ્ઠ મોકો છે. ગિલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી માત્ર અફઘાનિસ્તાન સામે જ વનડે સીરિઝ જીતી છે. તેથી જો ટીમ ઇન્ડિયા કાર્ડિફમાં જ ઇંગ્લેન્ડને હરાવી દેશે, તો શ્રેણી પર કબજો જમાવવાની સાથે ગિલ પોતાની કેપ્ટનશીપ કરિયરની એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરશે.

