New Delhi, તા. 15
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજીનો સીલસીલો અટકવાનું નામ લેતો ન હોય તેમ આજે વધુ જોરદાર ભાવ વધારો થયો હતો. ચાંદી સડસડાટ 3 લાખ તરફ આગળ ધપતી હોય તેવું ચિત્ર હતું. તેવી જ રીતે સોનુ પણ 1.46 લાખના લેવલને વટાવી ગયું હતું.
રાજકોટમાં આજે હાજર ચાંદી 2,89,600 હતી. એક જ દિવસમાં તેમાં 19,000નો ધરખમ ભાવ વધારો થયો હતો. વિશ્વ બજારમાં તેજીની આગ લાગી હોવાથી તેની સીધી અસર રહી હતી. જોકે ગત રાત્રે અભુતપૂર્વ ઉછાળામાં વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ 91 ડોલરને પાર થઇ ગયો હતો.
આજે સવારે પુનઃ નીચે આવીને 87.80 ડોલર સાંપડયો હતો. આ જ રીતે હાજર સોનુ 1,46,450 હતું તેમાં 1700 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. ભારતમાં કોમોડીટી એકસચેંજ આજે મુંબઇ ચૂંટણીના કારણે બંધ રહ્યા છે. પરંતુ વર્લ્ડ માર્કેટના આધારે હાજર ભાવોમાં જોરદાર અફડાતફડી સર્જાયેલી છે.
વેપારીઓના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ગત રાત્રે ચાંદી 91 ડોલર તથા સોનુ 4600 ડોલરને વટાવી ગયું હતું. આજે સવારે ભાવ થોડા નીચા આવ્યા છે. ગત રાતના ભાવો પર નજર કરવામાં આવે તો ચાંદી 2.90 લાખને પણ વટાવી ગઇ હતી.
તેવી જ રીતે સોનુ પણ 1.47 લાખને વટાવી ગયું હતું. વિશ્વ બજારમાં હવે કેવો ટ્રેન્ડ રહે છે તેના પર આધાર છે. વિશ્વસ્તરે જુદા જુદા ભૌગોલિક ઘટનાક્રમો અને યુધ્ધના ખતરાના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે.

