Gir Somnath,તા.૧૧
ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે જાણીતી ગાયિકા રાજલ બાંભણીયા હવે રાજકારણના મેદાનમાં ઉતરતા ચર્ચાનો વિષય બની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજલ બાંભણીયા ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૭માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવશે. તેમની એન્ટ્રીથી રાજકીય વાતાવરણ સાથે સાથે ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજલ બાંભણીયા સોશિયલ મીડિયા અને સ્ટેજ પ્રોગ્રામ્સ દ્વારા ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. ભાજપે તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આને ભાજપની ‘ગ્લેમર સ્ટ્રેટેજી’ તરીકે પણ જોવામાં આવી રહી છે, જેમાં જાણીતા ચહેરાઓને રાજકારણમાં આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
રાજલ બાંભણીયા (રાજલ બારોટ) ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ સ્વ. મણિરાજ બારોટની પુત્રી છે. તેમનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ થયો હતો. તેઓ મૂળ પાટણ જિલ્લાના બાલવા ગામના વતની છે. તેમણે વર્ષ ૨૦૦૯થી સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી. ગરબા, ભજન અને લોકગીતોમાં તેમની ખાસ ઓળખ છે. સ્ટેજ પરફોર્મન્સ અને ‘ડાયરા’ માટે તેઓ ‘ડાયરા ક્વીન’ તરીકે પણ જાણીતા છે.
ફેબ્રુઆરી ૨૦૨૫માં રાજલ બાંભણીયાએ ઉનાના યુવા નેતા અને સમાજસેવક અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બાદ તેઓ ઉનામાં વધુ સક્રિય બની છે.
પિતાના અવસાન બાદ નાની ઉંમરે જ રાજલે પરિવારની જવાબદારી સંભાળી હતી. પોતાની બહેનો સાથે મળીને તેમણે જીવનના સંઘર્ષનો સામનો કર્યો અને સંગીત ક્ષેત્રે સફળતા મેળવી.

