Una તા.17
ઉના તાલુકો જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહત અને રેવન્યુ વિસ્તાર તરફ વધુ આકર્ષાયા છે. આમોદ્રા ગામમાં સિંહોએ કાયમી વસવાટ જેવી સ્થિતિ બનાવી લીધી છે. ઘણીવાર શિકારની શોધમાં સિંહો ગામની અંદર પણ આવી ચડે છે અને પાલતુ પશુઓનું મારણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.
જ્યારે સિંહના લોકેશનની જાણ થાય છે ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અને કુતૂહલવશ લોકો સિંહને જોવા દોડી જાય છે. આ સ્થિતિ સિંહ માટે ખલેલ સમાન બને છે. જ્યારે સિંહને પોતાના કુદરતી રહેઠાણમાં અડચણ અનુભવાય છે, ત્યારે તે વધુ આક્રમક બનીને ગામની અંદર અથવા માનવ વસાહત તરફ ધસી જાય છે, જે સંઘર્ષનું કારણ બની શકે છે.આમોદ્રા વિસ્તારમાં સિંહોની કાયમી અવરજવરને જોતા સ્થાનિકોમાં બે પ્રકારની લાગણી છે.
એક તરફ સિંહ હોવાનો ગર્વ છે, તો બીજી તરફ સુરક્ષાની ચિંતા છે.નિયમિત વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જો વન વિભાગ સક્રિય રહે તો સિંહની સલામતી પણ જળવાશે અને ગ્રામજનો સાથે થતો સંઘર્ષ અટકાવી શકાશે.વન્યપ્રાણી પ્રેમીઓ ની માંગ છે કે સિંહના લોકેશન પર જઈ તેમને ખલેલ ન પહોંચાડે, તે સિંહ અને માણસ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.

