ગોદળા નીચે રાખેલી ચાવી વડે કબાટ ખોલી ચોરીને અંજામ આપનાર જાણભેદું ગઠિયો પોલીસના સકંજામાં
Rajkot,તા.15
શહેરના મવડી વિસ્તારના અમરનગર સ્થિત રહેણાંક મકાનમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. તસ્કર ગોદળા નીચે રાખેલી કબાટની ચાવી મેળવી કબાટ ખોલી તિજોરીમાંથી રૂ. 1.75 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયાનો મામલો માલવિયાનગર પોલીસના ચોપડે નોંધાયો છે. મામલામાં પોલીસે ગઠિયો કોઈ જાણભેદું જ હોય તેવી આશંકાએ તપાસ શરૂ કરી એક શખ્સને સકંજામાં લઇ લીધો છે.
શહેરના મવડી વિસ્તારમાં આવેલ અમરનગર-1 માં રહેતા ચાના ધંધાર્થી જતીનભાઈ રમેશભાઈ ઓળકીયા(ઉ.વ.૩૦)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,
ગઇ તા.૦૮/૦૪/૨૦૨૫ ની રાત્રે અમારા ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજીનો માંડવો હતો જેથી અમારા ઘરે મહેમાનોની અવર-જવર ચાલુ હોય ઘરના દરવાજા ખુલ્લા હતા. રાત્રીના આશરે 12 વાગ્યે અમારા ઘરમાં બેડરૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ યથાસ્થિતિમા જોયેલ હતો. જે બાદ રાત્રીના 12:55 વાગ્યે પત્નિ સોનલનો કોલ આવેલ કે, આપણા ઘરમા કબાટનો દરવાજો ખુલ્લો છે અને ઘરમા બધુ વેર વિખેર પડ્યુ છે, . તિજોરી કોઇએ બળ પ્રયોગથી ખોલેલ હોય તેવુ લાગ્યું હતું. જે બાદ તીજોરીમાં રાખેલ કીમત રૂ. ૧,૭૩,૩૦૦ના સોના-ચાંદીના ઘરેણા તથા રૂ. 2 હજારની રોકડ એમ મળી કુલ રૂ. 1,75,309ની મતા મળી આવી ન હતી.
જે બાદ ચાના ધંધાર્થીએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે ગુનો નોંધી અલગ અલગ શકમંદોની પૂછપરછ શરૂ કરતા તસ્કરની ભાળ મળી જતાં પોલીસે તસ્કરને સકંજામાં લઇ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.