Kalol પોલીસે આરોપી પુત્ર કલ્પેશની ધરપકડ કરી
Kalol, તા.૯
અમેરિકાથી Kalol આવેલા પુત્રે પૈસાની તકરારમાં પિતાની હત્યા કરી હોવાના બનાવે સમગ્ર પંથકમાં સનસનાટી સાથે અરેરાટી ફેલાવી છે. તારા પિતાએ ઝઘડો કરી માર માર્યો હોવાની માતાએ ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ધોકા ફટકારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બનાવની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે આરોપી પુત્ર કલ્પેશની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે કલોલમાં સંકલ્પ રેસિડેન્સીમાં રહેતા મધુબેન કાંતિલાલ પ્રજાપતિને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે, જેમાં મોટો દીકરો કલ્પેશ તેની પત્ની ચાંદની સાથે અમેરિકા ગયો હતો. છ મહિનાથી પરત આવીને માતા સાથે રહેતો હતો. મધુબેનના પતિ કાંતિલાલ છેલ્લા ૧૬ વર્ષથી પરિવારથી અલગ વેજનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા હતા. તેઓ ફોરચ્યુનર એમ્પાયર ફ્લેટની બાજુમાં આવેલા કપિરાજ શોપિંગ સેન્ટર પાસે સાયકલ પંચરની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
મંગળવારે સવારના અરસામાં મધુબેન પોતાના ફ્લેટ નીચે આવેલી દુકાને દહી લેવા ગયા હતા. તે વખતે કાંતિલાલ હાથમાં લાકડાનો ધોકો લઈને ત્યાં પહોંચ્યા હતા અને મધુબેન પાસે પૈસાની માંગ કરી હતી. મધુબેને તમે એકલા રહો છો તો મારી પાસે કેમ પૈસા માંગો છો તેમ કહેતા કાંતિલાલ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી જમણા પગે લાકડાનો ધોકો મારતા આસપાસના લોકો ભેગા થઈ જતાં કાંતિલાલ ત્યાંથી જતા રહ્યા હતા. દરમિયાન મધુબેને ઘરે જઇ પુત્ર કલ્પેશને ફોન કર્યો હતો અને તારા પિતાજી પૈસા બાબતે ઝઘડો કરતા હોવાથી તેમને શાંતિથી સમજાવવા કહ્યું હતું. કલ્પેશે તેની માતાને આશ્વાસન આપી સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં સાયકલની દુકાને પહોંચ્યો હતો.
ત્યાં પિતા કાંતિલાલને સમજાવવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન પિતાએ ગાળો આપવાનું ચાલુ રાખતા આવેશમાં આવી પુત્ર કલ્પેશે નજીકમાં પડેલો લાકડાનો ધોકો લઇ તેમના માથા અને શરીર પર ફટકાર્યો હતો. જેથી કાંતિલાલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સારવાર દરમિયાન કાંતિલાલનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં કલોલ શહેર પીઆઇ એચ.એન. પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મધુબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

