Lucknow,તા.23
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં પોતાની ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર દેખાવ કરવા બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ એવોર્ડ લેતી વખતે જાડેજાએ આ સફળતાનો શ્રેય તેની પત્ની રીવાબા જાડેજાને આપ્યો હતો અને ગર્વ સાથે તેમને ‘ગુજરાતના શિક્ષણ મંત્રી’ કહીને સંબોધ્યા હતા.
જાડેજાએ ખુલાસો કર્યો હતો કે આ પ્રદર્શન પાછળ તેની પત્નીનો અતૂટ વિશ્વાસ હતો. તેણે કહ્યું, “હું આ એવોર્ડ ગુજરાતના શિક્ષણ મંત્રી (રીવાબા જાડેજા) ને સમર્પિત કરવા માંગુ છું.
મેચના એક દિવસ પહેલા જ તેમણે મને કહ્યું હતું કે હું આ મેચમાં મેન ઓફ ધ મેચ બનીશ. તેમની ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ છે, તેથી આ ટ્રોફી તેમના માટે છે.” જાડેજાના આ નિવેદને સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા છે.
મેચની વાત કરીએ તો, એક સમયે રાજસ્થાન રોયલ્સની ટીમ મુશ્કેલીમાં હતી અને 77 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવા સમયે રવિન્દ્ર જાડેજાએ ક્રીઝ પર ટકી રહીને 43 રનની અણનમ અને મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમ લડાયક સ્કોર સુધી પહોંચી શકી હતી. ત્યારબાદ બોલિંગમાં પણ તેણે ચુસ્ત સ્પેલ ફેંકીને વિરોધી ટીમના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા.

