Ahmedabad,તા.7
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય પરિવહન નિગમ (ST) ના એક ડ્રાઈવરના કિસ્સામાં મહત્વનો ચુકાદો આપતા તેની બરતરફીને માન્ય રાખી છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ કર્મચારીના હાથમાં અનેક મુસાફરોનું જીવન હોય, ત્યારે ફરજ દરમિયાન દારૂનું સેવન એ ગંભીર ગેરરીતિ ગણાય અને આવા કિસ્સામાં નોકરીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.
આ કેસની વિગતો મુજબ, 30 સપ્ટેમ્બર 2014ના રોજ ઝાલોદથી જસદણ રૂટની બસ ચલાવતી વખતે ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું હતું. ગોંડલ ડેપો પર પહોંચ્યા બાદ તેણે બસ અધવચ્ચે છોડી દીધી હતી અને કંડક્ટરને અન્ય ડ્રાઈવર શોધી લેવા જણાવી પોતે સારવારના બહાને હોસ્પિટલ જતો રહ્યો હતો. તપાસમાં તે નશાની હાલતમાં હોવાનું સાબિત થતા તેને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
અરજદાર ડ્રાઈવરે કોર્ટમાં દલીલ કરી હતી કે તે કાયમી કર્મચારી હોવાથી તેની સામે સંપૂર્ણ ખાતાકીય તપાસ થવી જોઈએ અને તેની બરતરફી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દેતા નોંધ્યું હતું કે ઘટના સમયે અરજદાર પ્રોબેશન પિરિયડ (અજમાયશી સમયગાળો) પર હતો અને તેણે હજુ કાયમી દરજ્જો મેળવ્યો નહોતો. વધુમાં, સત્તામંડળે તેને કારણદર્શક નોટિસ આપીને બચાવની પૂરતી તક આપી હતી, પરંતુ ડ્રાઈવર પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
કોર્ટે એક મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મામલે ફોજદારી કેસમાં થયેલી મુક્તિ શિસ્તભંગના પગલાંને અસર કરતી નથી. ફોજદારી ટ્રાયલ અને ખાતાકીય તપાસ બંને અલગ-અલગ બાબતો છે. ફોજદારી કેસમાં ‘વ્યાજબી શંકાથી પર’ પુરાવા જોઈએ, જ્યારે ખાતાકીય કાર્યવાહી ગેરવર્તણૂકના ધોરણો પર આધારિત હોય છે.
અંતમાં, અદાલતે મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણાવી હતી. જસ્ટિસ પ્રચ્છકે અવલોકન કર્યું કે જાહેર પરિવહનના ડ્રાઈવર તરીકે લાખો લોકોનો વિશ્વાસ અને સુરક્ષા તેમના પર નિર્ભર હોય છે. આવા સંવેદનશીલ હોદ્દા પર રહીને દારૂ પીવો એ અક્ષમ્ય અપરાધ છે. આથી, સત્તામંડળ દ્વારા લેવાયેલું બરતરફીનું પગલું કઠોર કે અપ્રમાણસર નથી, પરંતુ ઉચિત છે. આ ચુકાદા સાથે હાઈકોર્ટે ડ્રાઈવરની પિટિશનને રદબાતલ ઠેરવી છે.

