Telangana, તા. 18
તેલંગાણા ક્રિકેટ એસોસિએશને (TCA) હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) દ્વારા આયોજિત ` TG20 લીગ’ સામે મોરચો માંડ્યો છે. TCA દ્વારા સાઉથ સિનેમાનાં દિગ્ગજ કલાકારો વેંકટેશ અને વિજય દેવરકોંડા ઉપરાંત જાણીતાં ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, તિલક વર્મા અને અંબાતી રાયડુને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.
આ નોટિસમાં આક્ષેપ કરાયો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની જરૂરી પરવાનગી લીધાં વિના આ લીગનું આયોજન અને પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, જે કાનૂની રીતે એક દંડનીય અપરાધ છે.
TCA ના જનરલ સેક્રેટરી ગુરુવા રેડ્ડીના જણાવ્યાં અનુસાર, HCA ના નિયમ 28 અને 30 મુજબ કોઈપણ ગવર્નિંગ કાઉન્સિલની નિમણૂક જનરલ બોડીની ચૂંટણી દ્વારા થવી જોઈએ અને લીગ માટે BCCIની લેખિત મંજૂરી અનિવાર્ય છે.
આ નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર કોર્પોરેટ કંપનીઓ સાથે બિઝનેસ કરવા અને ફંડ ઉઘરાવવા માટે આ અનઅધિકૃત લીગ શરૂ કરાઈ છે, જે ક્રિકેટ ચાહકો અને બ્રાન્ડ પાર્ટનર્સને ગેરમાર્ગે દોરે છે. આ મામલે વિરોધ દર્શાવવા માટે HCAના પ્લેયર ઓક્શનના દિવસે જ TCA દ્વારા હૈદરાબાદના ઈન્દિરા પાર્ક ખાતે ઉગ્ર પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.
નિયમ 31નો હવાલો આપતાં TCA એ ચેતવણી આપી છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિનાં કારણે HCAની માન્યતા રદ થઈ શકે છે, તેમજ લીગમાં ભાગ લેનારા ખેલાડીઓ, અધિકારીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ આવી શકે છે.
આ વિવાદ વચ્ચે, ફિલ્મ કલાકારો વેંકટેશ કે વિજય દેવરકોંડા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બંને કલાકારો હાલ પોતાનાં શૂટિંગ શિડ્યુલમાં વ્યસ્ત છે, જેમાં વેંકટેશ ત્રિવિક્રમના નિર્દેશનમાં ` આદર્શ કુટુંબમ’ કરી રહ્યાં છે અને વિજય દેવરકોંડા તેમની આગામી ફિલ્મ ‘રણબાલી’ ના કામમાં વ્યસ્ત છે, જે 11 સપ્ટેમ્બર 2026 ના રોજ રિલીઝ થવાની છે.

