Mumbai,તા.18
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની આગામી હોરર ફિલ્મ ‘હોન્ટેડ – ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ની રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમને એક કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ ‘લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ’ દ્વારા મોકલવામાં આવી છે, જેમાં વિક્રમ ભટ્ટ પાસે 19 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો આ રકમ ચૂકવવામાં નહીં આવે, તો પ્રોડ્યુસરે કોર્ટમાં જઈને ફિલ્મની રિલીઝ પર સ્ટે લાવવાની ચીમકી આપી હતી.
લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સના પ્રોપ્રાઇટર એમ. રમેશ વતી ‘મીડિયા લીગલ’ના એડવોકેટ નાગેશ મિશ્રાએ 3 જૂન 2026ના રોજ આ લીગલ નોટિસ જારી કરી હતી. નોટિસ અનુસાર, આ વિવાદ 3 જુલાઈ 2023ના રોજ સાઇન કરાયેલા એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU)થી શરૂ થયો હતો. તે સમયે આ ફિલ્મનું નામ ‘હોન્ટેડ વિન્ટર’ રાખવામાં આવ્યું હતું.
દાવો કરવામાં આવ્યો છે કે લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ કરવા માટે તૈયાર થઈ હતી અને બંને પક્ષો વચ્ચે નફો સરખે ભાગે વહેંચવાનું નક્કી થયું હતું. કંપનીએ આ પ્રોજેક્ટમાં 94 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. ત્યારબાદ બજેટમાં ફેરફાર થતાં એક ત્રિપક્ષીય કરાર હેઠળ ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ LLP’ને પણ કો-પ્રોડ્યુસર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, પાછળથી કેન્સલેશન એગ્રીમેન્ટ હેઠળ લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ આ પ્રોજેક્ટમાંથી પોતાના હકો પાછા ખેંચવા સંમત થઈ હતી. જોકે તે સમયે વિક્રમ ભટ્ટે કંપનીના રોકાણના રિફંડ ઉપરાંત પ્રોફિટ પેટે 50 લાખ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું હતું.
આ વિવાદમાં વિક્રમ ભટ્ટની અગાઉની ફિલ્મ ‘1920’ના નાણાકીય વ્યવહારોનો પણ ઉલ્લેખ કરાયો છે. નોટિસ મુજબ, પરસ્પર ખાતાઓની પતાવટ અને ફેબ્રુઆરી 2024માં વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી બાદ પણ હજુ 19 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવાની બાકી છે. બંને પક્ષો વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે જ્યાં સુધી આ બાકી રકમ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે.

