Ahmedabad and Tamil Nadu , તા.18
તબીબી અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી નીટ એકઝામ અગાઉ રદ થતા રિએકઝામના ત્રણ દિવસ પહેલા અમદાવાદના એક છાત્રે તમિલનાડુના કોઈમ્બતુરની એક છાત્રાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.
નીટની રિ-એકઝામને લઈને છાત્રોમાં એટલું તો ટેન્શન છે કે રિ-એકઝામની જાહેરાત બાદ અત્યાર સુધીમાં પાંચ જેટલા છાત્રોએ જીવનલીલા સંકેલી લીધી છે તો તમિલનાડુમાં ફરીથી નીટની પરીક્ષાઓ જ રદ કરવાની માંગણી ઉઠી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ગઈફકાલે 17મી જૂને મોડીરાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થી કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફલેટના બી બ્લોકમાં 6ઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.
મૃતક વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેણે કયા કારણે આપઘાત કર્યો તે હજુ બહાર નથી આવ્યુ. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા સુરતમાં રહે છે.
નીટ રિ-એકઝામના ત્રણ દિવસ પુર્વે તમિલનાડુના કોઈમ્બતુરની છાત્રા અનુકીર્તનાએ આપઘાત કરી લીધો છે. 19 વર્ષની અનુકીર્તના આ પહેલા પણ બે વાર નીટની પરીક્ષા આપી ચૂકી હતી. પેપર લીક બાદ પરીક્ષા રદ થતા તે ફરીથી નીટની રિ-એકઝામની તૈયારી કરી રહી હતી. પોલીસનું કહેવું છે કે તે કદાચ પરીક્ષાનું દબાણ સહન કરી શકી નહોતી અને મોતને ગળે લગાવી લીધું હતું.
જો કે અનુકીર્તના પહેલી નથી નીટની રિ-એકઝામ પુર્વે પરીક્ષાના ટેન્શનમાં હાલમાં જ રાજસ્થાનમાં ત્રણ છાત્ર આપઘાત કરી ચૂકયા છે. અલવરની રહેવાસી અને દિલ્હીમાં રહીને નીટની પરીક્ષાની તૈયારી કરી રહેલી 18 વર્ષની રણુ મિણાએ 14 જુને ગળાફાંસો ખાઈ લીધો હતો.
સીકરમાં રહીને પરીક્ષાની તૈયારી કરી રહેલા ઝુંઝુનના નવલગઢના છાત્ર ઉમેશ માળીએ 15 જૂને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઉમેશ પહેલા ઝુંઝુનાના ગુઢા ગૌડજીનો રહેવાસી છાત્ર પ્રદીપ માહિએ ગળાફાંસો ખાઈ લીધો હતો, જયારે લખનૌની શિવાની નામની છાત્રાએ પણ મોતને ગળે લગાડયું હતું.
નીટ પરીક્ષાઓ રદ કરવા તમિલનાડુમાં ઉઠી માંગ
છાત્રાના આપઘાત બાદ કોઈમ્બતુરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દેખાવકારો નીટ પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવાની જ માંગ કરી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે, આ એકઝામ માત્ર એ છાત્રોને વધુ ફાયદો કરાવે છે, જેઓ અમીર પરિવારમાંથી આવે છે, જે મોંઘા પ્રાઈવેટ કોચીંગનો ખર્ચ ઉઠાવી શકે છે. તમિલનાડુના લોકોનું કહેવું છે કે તમિલનાડુના લોકોનું કહેવું છે કે તમિલનાડુમાં મેડીકલ છાત્રોને કોઈ એન્ટ્રેન્સ એકઝામ વિના માત્ર 12માં ધોરણના માર્કસના આધારે એડમીશન અપાતું હતું તે પ્રથા ફરી ચાલુ કરવામાં આવે.
અનુકીર્તનાનો મૃતદેહ લેવાનો પરિવારનો ઈન્કાર
અનુકીર્તનાએ આપઘાત કરતા પહેલા વોટસએપ પર પોતાના સંબંધીને લખ્યુ હતું- મને ફરીથી પરીક્ષા આપતા ડર લાગી રહ્યો છે. મારા પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ્યા છે. હું તેમનો સામનો કેવી રીતે કરી શકીશ.
બીજી બાજુ પીએમ બાદ અનુકીર્તનાના પરિવારજનોએ દીકરીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી, જો કે બાદમાં અધિકારીઓ સાથે વાતચીત બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.

