New Delhi તા.13
સુપ્રીમ કોર્ટે કામકાજી મહિલાઓ તથા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે માસિક ધર્મની રજા ફરજીયાત કરવા માટેની એક રિટ અરજી પર સુનાવણીનો ઈન્કાર કરતા કહ્યું કે આ પ્રકારે રજા આપવાથી મહિલાઓને નુકશાન થશે તે મહિલાઓને કમજોર દિમાગના છે તે દર્શાવવાનું કારણ બની જશે.
ચીફ જસ્ટીસ સુર્યકાંતે કહ્યું કે, એક વખત આ પ્રકારની રજાઓની છુટ અપાય તો પછી મહત્વના અને જવાબદારીવાળા પદો પર મહિલાઓની નિયુક્તિ સામે પણ ખચકાટ સર્જાશે અને જણાવ્યું કે કામકાજના સ્થળે કે અન્ય સ્થળો પર મહિલાઓ નબળી માનસીકતાના છે તે પણ વાતાવરણ બની જશે.
સર્વોચ્ચ અદાલતે આ અંગે શૈલેન્દ્ર મણી ત્રિપાઠીએ દાખલ કરેલી અરજીમાં સરકાર પાસે જવા સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારની અરજીથી એ પણ ડર સર્જાશે કે માસીક ધર્મમાં મહિલાઓ સાથે ઘણું ખરાબ થવાનું છે.
આ પણ તેની ઈમેજને નુકશાન કરશે. ચીફ જસ્ટીસે જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા ફરજીયાત કરવામાં આવે તો ઓફીસો કે મહત્વના પદો પર મહિલાઓને જવાબદારી સોંપતા સમયે આ ફેકટર બની જશે અને તેની કેરિયર પર પણ અસર પડશે.
જસ્ટીસ જોય માલ્યા બાગચી એ આ મુદા પર આર્થિક અને વ્યવહારીક પાસાઓ પર પણ નિરિક્ષણ આપ્યું હતું અને કહ્યું કે શું આ પ્રકારની રજા આપીએ તો કંપનીઓ ખુશ થશે તે પ્રશ્ન છે.
કેરળ અને કર્ણાટક સહિતના કેટલાક રાજયોમાં આ પ્રકારની રજા અપાય છે તેવી દલીલ પર સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ એક નિતીગત નિર્ણય છે અને તે લેવાનું કામ સરકારનું છે. તમે સરકાર પાસે જઈ શકો છો. અમે આ અરજી સાંભળવા માંગતા નથી. અરજી કરનારની દલીલ હતી કે જો પ્રસૂતિ સમયે મહિલાઓને ખાસ રજા આપવામાં આવે તો આ પરીસ્થિતિમાં પણ રજા અંગે વિચારણા થવી જોઈએ

