Surendranagar તા.16
તાલુકામાં કોલસા ચોરી માટે પંકાયેલા ચોરવીરા ગામની સીમમાંથી અનેકવાર ગેરકાયદે ખનન પકડાયું હોવા છતા ધરતીના પેટાળમાંથી કાર્બોસેલ ઉલેચી લેવા અધીરા અને બેખોફ્ બનેલા ખનીજ માફીયાઓના કારસ્તાન પર ફરી એકવાર સાયલા પોલીસે દરોડો પાડતા 13 કુવાઓ ગાળી કોલસો કાઢવાનું કૌભાંડ ઉજાગર થવા પામ્યું હતું.
સાયલા પીઆઇ વાય.જી.ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા સાંજના સમયે કરાયેલ આકસ્મીક કાર્યવાહી દરમ્યાન ચોરવીરાની સીમમાં ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.તંત્ર દ્વારા આ મામલે કુલ તેર જેટલા કાર્બોસેલ ઉલેચવાના કુવાઓ પરથી બે ટ્રેક્ટર, એક ડમ્પર, 1 કોમ્પ્રેસર, 45 ટન કોલસો સાથે ચરખીની પાઇપો, બ બકેટ સહિત અંદાજે 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સબંધિત સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તમામ મુદ્દામાલ હસ્તગત કરી સુરેન્દ્રનગર કચેરી ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ હતી.

