Mumbai,તા.05
પોતાની ઓળખ, નામ અને સમાનતાનો દુરુપયોગ ટાળવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે હિરોઇન તબુએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ આ અરજીમાં બચાવપક્ષની વિગતોનો યોગ્ય ઉલ્લેખ થયો ન હોઇ જસ્ટિસ જ્યોતિસિંહે આ કેસની સુનાવણી છ ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.
પોતાના નામ, તસવીર, અવાજ અને ઓળખના અન્ય પાસાંઓનો દુરુપયોગ ડિજિટલ સ્પેસમાં કરવામાં ન આવે તે માટે ઘણી હસ્તીઓએ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કોર્ટ દ્વારા તેમને સંરક્ષણ આપવામાં આવ્યું છે.
અગાઉ અનિલ કપૂર તથા ઐશ્વર્યા રાય સહિતના અનેક સિને સ્ટાર્સ આવું રક્ષણ મેળવી ચૂક્યા છે. સલમાન ખાને પણ તેના પર્સનાલિટી રાઇટ્સ માટે આવો દાવો નોંધાવેલો છે.
એઆઇ દ્વારા કોઇપણ વ્યક્તિના ગમે તેવા વિડિયો કે તસવીરો બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ વધી જવાને પગલે ફિલ્મ સ્ટાર્સે તેમના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે અદાલતમાંથી આદેશ મેળવ્યા છે.

