(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagarની ૧૩ વર્ષ અને એક માસની સગીરાને ફોન પર સંપર્ક કરી વાતચીત કર્યા બાદ પોતાની પાસે બોલાવી મોરબી ખાતે ભાભીના ઘરે તથા હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધનાર આરોપીને જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કેસની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદીની ૧૩ વર્ષ અને એક માસની સગીરા દીકરીનો આરોપી સલીમ હાજી જામ (ઉ.વ.૩૦), રહે. માળીયા મિયાણા, દ્વારા ફોન મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપી પોતે પરિણીત અને પાંચ સંતાનોનો પિતા હોવા છતાં સગીરા સાથે ફોન પર વાતચીત કરી તેને પોતાની પાસે બોલાવી હતી.બાદમાં આરોપી સગીરાને મોરબી ખાતે પોતાના ભાભીના ઘરે તથા મોરબીમાં આવેલી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ હતો.
આ અંગે નોંધાયેલા પોક્સો કેસની જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી. પોક્સો કેસ નં. ૬૫/૨૦૨૪માં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ આર.પી. મોગેરા એ આરોપીને તકસીરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ.૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.તદુપરાંત પોક્સો એક્ટની કલમ ૮ અને ૧૨ હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયેલા હતા.

