બે અજાણ્યા શખ્સોએ રસ્તામાં રોકી ગાળો આપી શર્ટનો કાંઠલો પકડી રોકડ ઝૂંટવી, નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર ફરાર
(નયના દવે દ્વારા)
Jamnagarતા.૧૧
Jamnagarની સત્યસાઈ સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મનોજભાઈ વિનોદચંદ્ર માંડલીયા (ઉ.વ.૫૧, રહે. લાલવાડી વર્ધમાનનગર) તા.૬ ઓગસ્ટના રોજ બપોરે સ્કૂલેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે જી.જી. હોસ્પિટલથી અંબર ચોકડી તરફ જતા માર્ગ પર માલાબાર શો-રૂમ પાસે બે અજાણ્યા શખ્સોએ તેમની એક્ટિવા અટકાવી લૂંટ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ મનોજભાઈ પોતાનાં નાના ભાઈના નામે નોંધાયેલી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યા હતા. તેમનો પગાર થયેલો હોવાથી તેમણે વીરલબાગ પાસેના એટીએમમાંથી રૂ.૧૫,૦૦૦ ઉપાડ્યા હતા. તેમાંથી રૂ.૬,૦૦૦ શર્ટના ઉપરના ખિસ્સામાં અને રૂ.૯,૦૦૦ પાકીટમાં રાખ્યા હતા.
બપોરે આશરે બે વાગ્યે માલાબાર શો-રૂમ પાસે પહોંચતા પાછળથી આવેલી નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ જોરથી હોર્ન વગાડી મનોજભાઈને વાહન સાઇડમાં ઊભું રાખવા કહ્યું હતું. મનોજભાઈએ વાહન ઊભું રાખતાં બંને તેમની પાસે આવ્યા અને ગાળો આપવા લાગ્યા હતા. મોટરસાઇકલ ચાલક શખ્સે મનોજભાઈએ તેની મોટરસાઇકલને ટક્કર મારી નુકસાન કર્યું હોવાનું કહી નુકસાનીના રૂપિયા માગ્યા હતા.
મનોજભાઈએ ટક્કર મારી ન હોવાનું કહેતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. મોટરસાઇકલ ચાલકે મનોજભાઈના શર્ટનો કાઠલો પકડી લીધો હતો, જ્યારે પાછળ બેઠેલા શખ્સે તેમના શર્ટના ઉપરના ખિસ્સામાં રાખેલા રૂ.૬,૦૦૦ કાઢી લીધા હતા. દરમિયાન રોડ પર રાહદારીઓ એકત્ર થતાં બંને શખ્સો નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા.બનાવથી ડરી ગયેલા મનોજભાઈ ઘરે જતા રહ્યા હતા અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ આજે તા.૧૦ ઓગસ્ટે તેમના ભાઈઓ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બંને અજાણ્યા શખ્સોના નામ-સરનામાની જાણ ન હોવાનું, પરંતુ તેમને જોવાથી ઓળખી શકતા હોવાનું જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

