Gandhinagar,તા.27
થોડા દિવસો પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો, ત્યારે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી તા. 29 નવેમ્બર, 2026 દરમિયાન આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય મહત્ત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લાના કવાંટ અને જેતપુર પાવી તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો જનસંવાદ, જનસુનાવણી, સંગઠનાત્મક બેઠકો અને વહીવટી વિકાસકાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે.
પ્રવાસના પ્રથમ દિવસે તેઓ વડોદરાથી સીધા કવાંટ પહોંચીને ડો. બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ કવાંટ સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક યોજશે અને સાંજે સ્થાનિક આદિવાસી સમાજના નાગરિકો સાથે ‘ખાટલા બેઠક’ યોજી તેમના પ્રશ્નો સાંભળી ભજન-ભોજનના કાર્યક્રમમાં સહભાગી થશે.પ્રવાસના બીજા દિવસે આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હાફેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ હાફેશ્વર જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના રિસેપ્શન કાઉન્ટર અને રેવા ઈકો ટુરિઝમ સાઈટની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવાસન વિકાસની તકોની સમીક્ષા કરશે.
ત્યારબાદ સરકારી અને ખાનગી ક્ષેત્રે કાર્યરત આદિવાસી યુવાનો સાથે ‘યુવા સંવાદ’ તેમજ GMDC કડીપાણી ખાતે વહીવટી સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. બપોરે મોટી શીખલી પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો સાથે બેસીને ભોજન લીધા બાદ કવાંટ સર્કિટ હાઉસના મેદાનમાં આયોજિત જનસુનાવણી કાર્યક્રમમાં વેપારી મંડળ, આદિવાસી યુવાનો અને ગ્રામજનોની રજૂઆતો સાંભળશે.પ્રવાસના અંતિમ દિવસે તા. 29 નવેમ્બરના રોજ હર્ષ સંઘવી પાનવડ, પાણીબાર અને જેતપુર પાવી તાલુકાની મુલાકાત લેશે.
જેમાં પાણીબારના રામ ટેકરી ખાતે પ્રગતિશીલ મહિલાઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમમાં જોડાશે તેમજ કલારાણીની એકલવ્ય કોલેજ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ પત્રકારો સાથે ભોજન લેશે. પ્રવાસના સમાપન પૂર્વે તેઓ મુલધર કબીર મંદિરે દર્શન કરી સંતો-મહંતો અને ધાર્મિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવશે.

