ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
માનસ રત્નાવલીનાં છઠ્ઠા દિવસની કથાની શરૂઆત એક પ્રશ્નથી થઈ! તુલસીદાસજી અને રત્નાવલીમાં શ્રેષ્ઠ કોણ? કોણ શ્રેષ્ઠ અને કોણ અશ્રેષ્ઠનો નિર્ણય કરનારાં આપણે કોણ? ગોસ્વામીજીનું એક સૂત્રાત્મક વાક્ય છે “કો બડ છોટ કહેત અપરાધુ ” શું આ સંસાર માંથી આપણે કોણ મોટું અને કોણ નાનું! એનું દ્વંદ કાઢી ન શકીએ? પ્રશ્ન પૂછનાર ત્રણ પ્રકારનાં હોય વિષયી, સાધક, કે સિદ્ધ, અને આ ત્રણેય પ્રકારનાં લોકોનો મને અનુભવ છે. બહુધા વિષયી લોકો પ્રશ્ન પૂછે છે, સાધક અને સિદ્ધ પણ પૂછે, પણ પોતાના સિદ્ધાંતોને દ્રઢ કરવા માટે! ક્યારેક વ્યાસપીઠની કસોટી માટે પણ પ્રશ્નો પુછાય! કોઈપણનો પ્રશ્ન હોય એનો શુદ્ધ ભાવે જવાબ આપું છું. આ પ્રશ્નનાં જવાબમાં પણ પુરુષ કરતાં નારી તત્વ સદૈવ શ્રેષ્ઠ રહ્યું છે! પણ અહીં તુલસી અને રત્નાવલીની સરખામણીનાં કેન્દ્રમાં આ જવાબ નથી, એટલું યાદ રાખજો એ બંને પુરુષ અને નારી જેવા લિંગ ઉપર છે. રત્નાવલી ઘાટ પર કથા થઈ રહી છે, અને આ કથા થઈ, એ જ સિદ્ધ કરે છે કે, રત્નાવલી કંઈક વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે, અને આ આયોજનને ખેંચે છે! સામાન્ય કરતાં વિશેષમાં કંઈક વધુ આકર્ષિત કરનારું હોય છે, ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંત મુજબ વસ્તુને ઉપરથી નીચે લાવે, પરંતુ જેમાં કંઈક વિશેષ પ્રકારની વાત હોય, એ આપણને ચારે બાજુથી આકર્ષિત કરે.
પુરુષ જાત મનમાં ખરાબ ન લગાડે, પણ શરીરથી આપણે પુરુષ છીએ, છતાં આપણી જે ભૌતિક જગતમાં જોવાં મળતી ક્ષમતાઓ છે, એ બધી સ્ત્રી વાચક છે. પુરુષમાં રહેલું પૌરૂષ એ શક્તિવાચક ઉર્જા, પુરુષમાં રહેલી શક્તિ, સ્ત્રી! પુરુષમાં રહેલી ભક્તિ, સ્ત્રી! પુરુષમાં રહેલી વિશેષ પ્રકારની વિદ્યા, સ્ત્રી! કોઈએ ગુનો કર્યો હોય છતાં પણ ક્ષમા આપવાનો સ્વભાવ, ક્ષમા રુપે સ્ત્રી શક્તિ, પુરુષમાં રહેલી કરુણા સ્ત્રી, વીરતા, ધીરતા, એ બધી શક્તિ સ્ત્રી વાચક, આ કોઈ પક્ષપાત નથી, મૂલ્યાંકન પણ નથી, પરંતુ અનુભૂતિ છે! અને એ રીતે શ્રેષ્ઠ અને નિમ્નની ચર્ચા કરવી હોય તો, માતૃ શરીર શ્રેષ્ઠ છે. રત્નાવલી મા શ્રેષ્ઠ છે, એનાથી તુલસી નાના નથી થઈ જતાં પણ, આપણી સંકુચિતતા કે લઘુતાગ્રંથીથી એને નાનાં સમજીએ! એક વૃક્ષ નીચે ઘાસનાં તણખલું ઉગ્યું હોય, તો એ ઘાસનું તણખલું પોતાની જાતને નાનું નથી સમજતું, કારણ કે એનામાં લઘુતાગ્રંથી નથી, એ પોતાની નિજતામાં ખુશ છે. વાસ્તવમાં શ્રેષ્ઠ એ છે જે, શ્રેષ્ઠ ન્હોય એને પણ પોતાનાથી શ્રેષ્ઠ બનાવી દે અને રત્નાવલીએ એ કામ કર્યું છે.
ભારત રત્ન પંડિત મદનમોહન માલવિયાની વાતને ટાંકતા કહ્યું, કે એ એક કાર્યક્રમમાં ગયાં, ત્યાં પહેલવાનો વિશે ચર્ચા થતી હતી, એમણે કહ્યું કે, યુવાનોએ ગામા પહેલવાનનો આદર્શ રાખવો જોઈએ, આ સન્માનના પ્રત્યુતરમાં ગામા એ કહ્યું કે, હું શ્રેષ્ઠ નથી, મને આદર્શ ન બનાવો! એક વ્યક્તિને પછાડીને બીજી વ્યક્તિ એની છાતી પર ચઢી જાય, તો શું એને શ્રેષ્ઠ માની શકાય? એને આદર્શ માની શકાય? આ શ્રેષ્ઠતાની પરિભાષા નથી. બીજો એક પ્રશ્ન છે કે તુલસીદાસજી આગળ સંત અને કવિ એવું વિશેષણ લાગે છે, જ્યારે મા રત્નાવલી આગળ કયું વિશેષણ લગાડવું? રત્નાવલી કવિયત્રી પણ છે, અને સંત છે. પરંતુ એની માટે સાધુ તે એક પર્યાપ્ત વિશેષણ છે, સ્ત્રી હોવાને નાતે સાધ્વી પણ આપ લખી શકો! પરંતુ આ ચર્ચા પરથી માતૃશરીર એમ ન સમજે કે અમે શ્રેષ્ઠ છીએ, અને પુરુષ અમારાથી નાના જ છે. ગઈકાલનાં વ્યક્તવ્યને યાદ રાખજો કે, બીજાને હલકા સમજે, એ પોતે કાયમ હલકા છે. અહીં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિત્ર પ્રસ્તુત થઈ રહ્યું છે, અને એ રીતે માતૃશક્તિને વંદન.
કાલે ઓશોનું એક વક્તવ્ય પ્રદીપ પાસેથી મળ્યું, કે, ભગવાન બુદ્ધ, મહાવીર, ભગવાન શંકરાચાર્ય, રામાનુજ, રામાનંદ, કબીર, તુલસી બધાં જ કાશીમાં આવ્યાં, અને ચાલ્યાં ગયા! કાશી એ કોઈ ભૌગોલિક રીતે પૃથ્વીનો ટુકડો નથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિએ આ દ્રશ્યને જોવું પડે,કે જો સાધનાની ઉચ્ચ સ્થિતિએ પહોંચી જઈએ, તો આજે પણ બનારસની ગલીઓમાં તુલસી ઘુમતા જોવાં મળે, આજે પણ બુદ્ધ હરતાં ફરતાં જોવાં મળે, કબીર જોવાં મળે, મારી અને આપની એટલી ઔકાત નથી, પરંતુ હજી સૂક્ષ્મતાથી જોઈએ તો કદાચ એક ક્ષણ માટે એ સ્થિતિમાં રત્નાવલી પણ અહીં જોવા મળે, અધ્યાત્મિક જગતમાં એ આખી વ્યવસ્થા છે. એવો કોઈ બુદ્ધ પુરુષ મળી જાય, જે આપણી આંખોમાં એવો કેમેરો લગાવી દે, આ સંભાવના છે, એમ હું નહીં કહું, પરંતુ આવું થઈ શકે, અને આવું થાય છે, આપણે રામને નથી જોયા, તો શું રામનું ભજન છોડી દઈએ! રામને વનમાં નથી જતાં જોયાં, રામનાં લગ્ન નથી જોયા, તો શું રામની કથા ગાવાનું છોડી દઈએ! આ આખી વ્યવસ્થા છે, કે જે નિર્વાણ પછી પણ આવી શકે છે, એ ચેતના આવવા માંગે તો આવી શકે, અને એ રીતે રત્નાવલીનું આજે અહીં આ ઘાટ પર હોવું પ્રમાણિત કરે છે.
આગળનો એક પ્રશ્ન છે કે, શું ગુરુનાં નામનો જાપ કરવો પડે? ગુરુમુર્તિની નિત્ય પૂજા કરવી! આ બધો આશ્રિત નો ભાવ છે. પરંતુ ગુરુ નામ સ્મરણ નો જાપ કરવાની જરૂર નથી, ગુરુની સ્મૃતિજ સાધના છે, એના નામને બેરખા પર ફેરવવાની જરૂર નથી, ગુરુ આજ્ઞાનો અનાદર કરવો નહીં! એમાં બધું આવી જાય. સાધક શિષ્ય માટે તુલસી દોહાવલી નો એક દોહો છે એનું ધ્યાન રાખવું.
શિષ્ય સખા સેવક સચીવ, સુતિય શિખાવન સાંચ,
સુનિ સમુઝિય પુનિ પરિહરિઅ પર મનોરંજન પાંચ.
શિષ્ય, સખા, સેવક, સચિવ, સુંદરી, જો પૈસા માટે કે પ્રતિષ્ઠા માટે બીજાનું મનોરંજન કરતાં હોય તો સાંભળીને નહીં, સમજીને એનાથી અલગ થઈ જવું! તુલસી તો ત્યાગવા ની વાત કરે છે, પણ વ્યાસપીઠનો સ્વીકાર મંત્ર છે, એટલે આપણે હટીને એમને સ્વતંત્રતા આપી દેવી, અને આમ જ દ્વેષ મુક્ત થઈ શકાય. કૃષ્ણ કંઈ અભિમાની નથી અને એને કોઈ શિષ્ય મંડળી પણ બનાવી નથી પરંતુ કોમેન્ટની એસી તેસી કરીને એણે અર્જુનને કહ્યું “મામેકં શરણમ વ્રજ”આમ કહી કૃષ્ણ બીજાને ઇગ્નોર નથી કરતા પણ આપણી સમજને ઉઘાડી રહ્યા છે આપણી મૂળતાને જરા આક્રમક શબ્દોમાં ટોળે છે કે સન્માન સૌને આપો પરંતુ શરણાગતિ એકની જ હોવી જોઈએ શિષ્ય પરરંજક ન હોવો જોઈએ.આજે પણ ઘણા કહે છે કે વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર માત્ર ઉચ્ચ વર્ણ વાળાનો જ છે! સાધુને શું સમજો છો? સાધુ સૌથી ઊંચા છે કોઈ સાધુ બનીને તો બતાવે. પારિવારિક પીઠ, પારંપરિક પીઠ, વ્યાસપીઠ જેને તર્પણ પીઠ પણ કહે છે, રાષ્ટ્રીય પીઠ, સમર્પણ પીઠ. જો આ પાંચ વસ્તુ હોય તો વ્યાસપીઠ, વિશ્વપીઠ બની શકે! સૌના વિચારનો સ્વીકાર હોય, બીજું જે સૌનો સ્વીકાર કરે, સૌનો ઉદ્ધાર કરે સૌને મુક્તિ અને સ્વતંત્રતા આપે, કોઈ પર પ્રહાર ન કરે, જે સૌને પ્યાર કરે! આટલા સુત્રોથી એ સૌથી ઊંચીપીઠ કે જે કૈલાસ છે, એવી વિશ્વપીઠ બને છે. કથાના ક્રમમાં વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ ધનુષ યજ્ઞમાં જાય છે ત્યાં સુધીની કથા કરી છઠ્ઠા દિવસની કથા અને વિરામ આપ્યો.
સંકલન- ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

