વિનોદભાઇ માછી નિરંકારી
માનવજીવનની દરેક ક્ષણ માનવતા અને ભક્તિ માટે સમર્પિત થવી જોઇએ.
-સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ.
શ્રદ્ધા-ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ દિવ્ય વાતાવરણમાં સંત નિરંકારી મિશન દ્વારા યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા ખાતે પરમ શ્રદ્ધેય સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીના સાન્નિધ્યમાં ભાવપૂર્ણ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં લાખો શ્રદ્ધાળુઓએ સદગુરૂના પાવન દર્શન અને અમૃતમય પ્રવચનોને શ્રવણ કરીને આત્મિક શાંતિ-આનંદ અને દિવ્ય પ્રેરણાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
સ્થાનિક સ્તરે દાહોદ ઝોનમાં ભુરાવાવ,ગોધરા ખાતે આવેલ સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે સમર્પણ દિવસના ઉપલક્ષમાં વિશેષ સત્સંગ સમારોહનું આદરનીય અપેક્ષાજી,દાહોદની અધ્યક્ષતામાં તથા દાહોદ ખાતે મહા.રાજેશભાઇ બચાણી,ક્ષેત્રિય સંચાલક,સંત નિરંકારી સેવાદળની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લઈ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની દિવ્ય શિક્ષાઓમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા ખાતે પરમ શ્રદ્ધેય સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે પોતાના આશિર્વચનોમાં કહ્યું હતું કે સદગુરૂ બાબાજીનું સમગ્ર જીવન માનવતા-સેવા અને પ્રેમભક્તિનું દિવ્ય ઉદાહરણ રહ્યું છે,તેમણે પ્રેરણા આપી હતી કે માનવ જીવનની દરેક ક્ષણ અર્થપૂર્ણ હોવી જોઈએ અને દરેક ક્ષણ માનવતા-કરૂણા અને માનવીય મૂલ્યોના પુરાવા રજૂ કરતી હોવી જોઈએ.સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે હંમેશા એ જ શિક્ષા આપી છે કે દરેક વ્યક્તિએ પોતાની અંદર માનવીય ગુણો વિકસિત કરીને નિરાકાર પ્રભુ પરમાત્માનો આશરો લઈને સાર્થક અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવું જોઇએ.
સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ જીવનમાં દુઃખ-પીડા કે સંઘર્ષ અનુભવી રહી છે તો આપણું કર્તવ્ય તેને વધારવાનું નહી પરંતુ પ્રેમ-સંવેદનશીલતા અને સહયોગથી તેને શાંતિ મળે તેવું કરવાનું છે.જીવન એવું હોવું જોઈએ જે સંબંધોમાં પ્રેમ અને સમર્પણની ભાવનાને મજબૂત કરવાની છે.આ જ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓનો સાર અને સાચી માનવતાનુંમૂર્ત સ્વરૂપ છે.
સદગુરૂ માતાજીએ સમજાવ્યું કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવન ફક્ત વ્યક્તિગત સીમાઓ સુધી મર્યાદિત રહેતું નથી પરંતુ સમગ્ર માનવતાની સેવા-કલ્યાણ અને ઉત્થાનનું માધ્યમ બની જાય છે.સાચી સેવા બાહ્ય દેખાવથી અલગ પ્રેમ-વિનમ્રતા અને નિ:સ્વાર્થતાથી પરિપૂર્ણ હોય છે,જ્યારે વાસ્તવિક ભક્તિ શબ્દોની પર વ્યવહાર-વિચાર અને કર્મોમાં પ્રતિબિંબિત થાય છે.
તા.૧૩-૦૫-૨૦૧૬ના રોજ માણ્ટ્રિયલ-કેનેડામાં માર્ગ અકસ્માતમાં સદગુરૂ બાબા હરદેવસિંહ મહારાજે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો,તેમની સાથે બ્રહ્મલીન થયેલ અમર સંત અવનીતજીના સમર્પિત જીવનનો ઉલ્લેખ કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે સાચું સમર્પણ એ જ છે કે જેમાં સેવાનો ભાવ માત્ર વિચારોમાં નહીં પરંતુ વ્યવહાર અને પ્રાથમિકતાઓમાં સ્પષ્ટ દેખાવવો જોઇએ.તેમણે ગૃહસ્થજીવનની જવાબદારીઓની સાથે સાથે સત્સંગ-સેવા અને ભક્તિને સર્વોપરી રાખીને પ્રેરણા આપી હતી કે પારિવારિક તથા સામાજિક જીવનમાં રહીને પણ પૂર્ણ નિષ્ઠાથી સમર્પિત જીવન જીવી શકાય છે.
અંતમાં સદગુરૂ માતાજીએ આશિર્વાદ આપ્યા હતા કે પ્રત્યેક ભક્તોનું જીવન સેવા-સુમિરણ અને સત્સંગને પોતાની પ્રાથમિકતા બનાવે અને દરેક સંતો નિરાકાર પ્રભુ પરમાત્માને સમર્પિત થઈને પ્રેમ-શાંતિ અને માનવતા ફેલાવવાનું સશક્ત માધ્યમ બને.
આ કાર્યક્રમ દરમ્યાન અનેક ગીતકારો-કવિઓ અને વિચારકોએ પોતાની રચનાઓ દ્વારા હૃદયની ગહન અનુભૂતિઓને અભિવ્યક્ત કરી હતી.જ્યાં દરેક શબ્દ,દરેક સ્વર હૃદયની ઊંડાઈઓમાંથી આત્માને સ્પર્શી ગયો હતો.કોઈ સંતોએ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના દૈવી ઉપદેશોમાંથી પ્રેરણાદાયી સંદેશાઓ સંભળાવ્યા હતા તો કોઈ સંતોએ તેમના સૌમ્ય વ્યક્તિત્વ-સેવા પ્રત્યેના સમર્પણ અને માનવતાના કલ્યાણ હેતુ કરેલા કાર્યો યાદ કરી શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા હતા.વક્તાઓની રચનાઓ અને શબ્દોમાં સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના હૃદયસ્પર્શી પ્રેમનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણા આજે પણ શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે.વર્તમાન સમયમાં સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તેમના સંદેશાઓને આગળ વધારતાં સેવા-સમર્પણ અને સદભાવનો પ્રકાશ ફેલાવી રહ્યાં છે,તેમના માર્ગદર્શનથી વિશ્વમાં માનવતા-એકતા અને ભાઈચારાનો સંદેશ સતત પ્રસારિત થઈ રહ્યો છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

