Ahmedabad તા.૯
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલે સોમનાથ ખાતે પ્રધાનમંત્રીશ્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ / શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ૨૦૪૦ એસટી ની બસો રાજ્યભરમાંથી ફાળવી દેવામાં આવશે. પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમમાં જુદા જુદા ડિવિઝનો માંથી એસ.ટી બસો ફાળવી દેવામાં આવી છે.
હાલ રાજ્યભરમાં ૮૫૫૦ એસ.ટી ની બસો માં અંદાજે ૨૯ લાખ લોકો નિયમિત અપડાઉન કરે છે તારીખ ૧૦ અને ૧૧ એમ બે દિવસ એસટીની ટ્રિપો કેન્સલ થશે. મુસાફરો રઝળશે અને લુંટાશે. મુસાફરોને કોંગ્રેસ સમિતિની અપીલ છે કે જરૂર જણાય તો જ બે દિવસ એસ.ટીમાં મુસાફરી કરજો અન્યથા ૪૫ ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો. એસ.ટીની ટ્રીપો રદ થતાં ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લુટ ચલાવશે અને લૂંટાશો. ખાસ કરીને હાલ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો ફાળવવા દેવામાં આવશે ત્યારે ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની હાલત કફોડી બનશે.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં નવે નવી બસો ફાળવી દેવામાં આવશે જેથી મુસાફરોને ભંગાર, ખખડધજ અને ભાઠા જેવી જૂની બસો ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જાય તેવી બસો રૂટ પર ચલાવવામાં આવશે. વડાપ્રધાન, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં આ રીતે સરકારી વાહનનો દૂરપયોગ બંધ કરવો જોઈએ ચૂંટણી સમયે જે રીતે ખાનગી બસો અને વાહનો કબજે કરે છે તે રીતે વાહનો ડીટેઇન કરી વાહનોને નિયમ મુજબ ભાડું ચૂકવવું જોઈએ એસટી તંત્રના વાહનોને આ રીતે તાયફા અને કાર્યક્રમમાંથી મુક્તિ મળવી જોઈએ.
એક અંદાજ મુજબ છેલ્લા ૩૦ વર્ષમાં રાજ્ય સરકારે પોતાની પ્રસિદ્ધિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે અને ૬૦૦૦૦ થી વધુ બસોની સેવાઓ ઝૂંટવી લેવામાં આવી છે. એક બાજુ સલામત સવારી અને બીજી બાજુ કલાકો સુધી એસ.ટી બસ સ્ટેશનમાં બેસી રહો બસો નહીં મળે. રાજ્યના સોમનાથ થી દુર દુર સુધીના ડિવિઝનો માંથી બસો ફાળવવામાં આવતાં ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર દૂરથી બસો ખાલી આવશે અને ખાલી પરત જશે ડીઝલનો ધુમાડો થશે પ્રદૂષણનો ફેલાવો અને સરકારી નાણા નો દુરુપયોગ થશે. હાલમાં યુદ્ધને પગલે ડીઝલ અને પેટ્રોલની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે આ પ્રકારનો પ્રજાના નાણાકીય ધુમાડો બંધ કરવો જોઈએ.
ગત વખતે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે ૫૫૦૦ ટ્રીપ કેન્સલ કરી ૨૦૦૦ એસ.ટીની બસો ફાળવવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે એસટી તંત્રને કેટલા નાણા ચૂકવવાના બાકી છે તેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવા અંતમાં હેમાંગ રાવલે માંગ કરી છે.

