Gondal , તા. 24
નૈઋત્ય ચોમાસુ મુંબઇ પહોંચી ગયુ છે ત્યારે હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઇ રહેલા સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા એકાદ-બે દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. સોમવારે ભાવનગરમાં ર ઇંચથી વધુ વરસાદ પડયા બાદ ગઇકાલે પણ ગોંડલ, કોટડાસાંગાણી અને સાવરકુંડલામાં પણ મેઘરાજા ગાજવીજ સાથે પધાર્યા હતા.
વધુમાં મળતા અહેવાલો મુજબ ગોંડલમાં ગઇકાલ મંગળવારનાં દિવસભર નાં અસહ્ય બફારા અને વાદળીયા આકાશી માહોલ વચ્ચે સાંજે પાંચ કલાકે વિજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ ત્રાટકતા દોઢ કલાક માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ફરી વળ્યાં હતાં.અને કેટલાક નિચાણવાળા માર્ગો અને વિસ્તારમાં પાણી ભરાયા હતા.
શહેરનાં ઉમવાડા આશાપુરા અંડરબ્રીજ તથા રાતાનાલામાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવીત થયો હતો.ઉમવાડા અંડરબ્રીજમાં જુનાગઢ થી દાહોદ જતી એસટી બસ પાણીમાં ફસાતા લોકોએ ધક્કા મારી બસ ને પાણી બહાર કાઢવા કોશિષ કરી હતી.દરમિયાન નગરપાલિકા નાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,દિપકભાઈ ગોવાણી,વોટર વર્કસ ચેરમેન સલીમભાઈ ચૌહાણ જેસીબી તથા ફાયર સ્ટાફ સાથે દોડી આવી બસ ને સલામત બહાર કાઢી હતી.
વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હોય ખટારાસ્ટેન્ડ, પોસ્ટઓફીસ બિલ્ડીંગ સહિત કેટલાક વિસ્તાર માં વૃક્ષો ધરાશઇ થયા હતાં. તાલુકાનાં ગુંદાળા, અનિડા, ભુણાવા, બિલીયાળા સહિત શ્રીકાર વરસાદ વરસ્યો છે. જયારે કોટડાસાંગાણી પંથકમાં ગઇકાલે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ગરમીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી છે. સવારથી જ બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાએ લોકોને પરેશાન કરી મૂક્યા હતા.
જોકે, બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદનું આગમન થયું હતું. કોટડા સાંગાણી શહેરમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાંબા સમયના ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.
તેમના સાવરકુંડલા શહેરમાં ગઇકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો છવાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કાળવા ઝાપટા સાથે વરસાદનું આગમન થયું હતું.
વરસાદના ઝાપટાં પડતાં જ ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી તથા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો ન હતો અને માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા હતા. વરસાદને કારણે શહેરના માર્ગો થોડા સમય માટે ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતો અને નાગરિકોમાં આગામી દિવસોમાં સારા વરસાદની આશા જાગી છે.

