Washington તા.10
મધ્ય પૂર્વમાં ઈરાન સાથે છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મોટા પાયે સૈન્ય હુમલો કરવાની પોતાની ચીમકીઓથી પાછા હટીને હવે આર્થિક અને મુત્સદ્દીગીરીનું દબાણ વધારવાની રણનીતિ અપનાવી છે.
તેમણે ઉમેર્યું કે ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ચૂકી છે, ત્યાં ફુગાવો ચરમસીમાએ છે અને તે પોતાના સૈનિકોને પગાર આપવા માટે પણ સક્ષમ નથી. ખાડીના સાથી દેશોની સલાહ અને અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $75 ની આસપાસ હોવાથી ટ્રમ્પ પ્રશાસનને આક્રમક યુદ્ધની ઉતાવળ કરવાને બદલે આર્થિક નાકેબંધી જાળવી રાખવાની તક મળી છે.
ઈરાન, અમેરિકા અને ઓમાન વચ્ચે હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર બહાલી અંગે પ્રસ્તાવિત કરારમાં ઈરાનની નવી શરતોના કારણે વિલંબ થઈ રહ્યો છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા મોહમ્મદ બાગેર ઝોલકદ્રે માંગ કરી છે કે અમેરિકા યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરે, નૌકાદળની નાકેબંધી હટાવે, સેના પાછી ખેંચે, આર્થિક પ્રતિબંધો રદ કરે અને યુદ્ધનું વળતર ચૂકવે.
બીજી તરફ, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના અહેવાલ મુજબ, ટ્રમ્પ હવે ઈરાન સાથે વ્યાપક પરમાણુ કરાર કરવાને બદલે હોર્મુઝ જળમાર્ગને તમામ વેપારી જહાજો માટે સુરક્ષિત રીતે ફરીથી ખોલવાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. અમેરિકાનું માનવું છે કે ઈરાનના મુખ્ય પરમાણુ મથકો નષ્ટ થઈ ચૂક્યા હોવાથી તેના માટે ફરી પરમાણુ ક્ષમતા ઊભી કરવી અત્યંત મુશ્કેલ છે.
ટ્રમ્પના બદલાયેલા વલણ પાછળનું એક મુખ્ય કારણ અમેરિકન સેના પાસે ઘટી ગયેલો હથિયારોનો જથ્થો પણ માનવામાં આવી રહ્યો છે. ઈરાન સામેના પાંચ મહિના લાંબા સંઘર્ષમાં અમેરિકાએ 1000 થી વધુ તોમાહોક ક્રૂઝ મિસાઇલો છોડી છે, જેના કારણે યુએસ સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) ગંભીર શસ્ત્ર સંકટનો સામનો કરી રહ્યું છે.
જોકે, પ્રમુખ ટ્રમ્પે હથિયારોની અછતના અહેવાલોને નકારી કાઢતા દાવો કર્યો છે કે અમેરિકા પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

