Surendranagar, તા.19
Surendranagar Chotila-Ahmedabad Highway પર સાંગાણી ગામ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક તરફ સુદામા ટ્રાવેલ્સની ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે બીજી તરફ આ સળગતી બસને જોવા માટે કાર ધીમી પાડતા પાછળથી બીજી કાર અથડાઈ હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, Surendranagar Chotila-Ahmedabad Highway પર સાંગાણી ગામ નજીકથી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. બસમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને હાઈવે પરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કારના ચાલકે પોતાની કાર ધીમી પાડી હતી.
આ દરમિયાન, સ્વિફ્ટ કારની પાછળ આવી રહેલી ક્રેટા કારના ચાલકે કાબૂ ગુમાવતા સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. એક જ સ્થળે બસમાં આગ અને કાર અકસ્માત એમ બે ઘટનાઓ બનતા હાઈવે પર લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સદનસીબે, આ ડબલ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બસમાં સવાર મુસાફરો તેમજ અકસ્માતગ્રસ્ત બંને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, અકસ્માત એટલો જોરદાર હતો કે સ્વિફ્ટ અને ક્રેટા બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવા અને બસની આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

