(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮ઃ
Jamnagar જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જામજોધપુર તથા પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારના બે અલગ-અલગ દરોડા પાડી કુલ ૧૫ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને કુલ રૂા.૪૪,૫૫૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.જામજોધપુર પોલીસે દોઢીયા વાડી વિસ્તારમાં શિલ્પાબેન ગોવિંદભાઈ વંશના મકાન બહાર સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન શિલ્પાબેન વંશ, દક્ષાબેન ઘેટીયા, મોતીબેન બેરા, ભાવનાબેન મારૂ, જસુબેન વસરા, વિજયાબેન સાપરિયા, પ્રવીણાબેન જાદવ, હિમાનીબેન મારૂ અને પન્નાબેન કાનાબાર મળી કુલ નવ મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂા.૧૪,૨૫૦ રોકડા તથા ગંજીપત્તાનાં ૫૨ પાનાં મળી કુલ રૂા.૧૪,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે દડિયા ગામની બસ સ્ટેશનવાળી શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો ઝડપ્યો હતો. પોલીસે પ્રભુભાઈ હરવરા, રમેશભાઈ ધ્રાંગીયા, વિશાલભાઈ નંદા, મેહુલભાઈ વસીયર, ભાવેશભાઈ ગંઢા અને રાજેશભાઈ નંદા મળી છ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંગઝડતી તથા સ્થળ પરથી કુલ રૂા.૩૦,૩૦૦ની રોકડ રકમ મળી આવતાં પોલીસે કબજે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો હતો.આમ, બંને બનાવમાં કુલ ૧૫ શખ્સો સામે કાર્યવાહી કરી પોલીસે રૂા.૪૪,૫૫૦ની રોકડ રકમ કબજે કરી હતી.

