Upleta ,તા.9
ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂના જૂના કેસમાં નામ આપવાના મનદુ:ખમાં બે શખ્સોએ સતત ત્રાસ આપી ખંડણી માંગતા એક યુવકે કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ બનાવનાં ફરિયાદી રાહુલભાઈ ભીખુભાઇ પંચાસરા પર ત્રણ મહિના પહેલા દારૂનો કેસ થયો હતો.
આ કેસમાં તેમણે દારૂ સપ્લાય કરનાર જૂનાગઢના ભીમો રબારીનું નામ પોલીસને આપ્યું હતું. આ બાબતની જાણ થતા ભીમો રબારી અને તેનો સાથીદાર કાનો રબારી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે રાહુલભાઈને ધમકાવવાનું શરૂ કર્યું કે, “તેં પોલીસમાં મારું નામ આપ્યું હોવાથી હવે કોર્ટનો ખર્ચ કાઢવા માટે તારે રૂ. 50,000 આપવા પડશે.”
આરોપીઓએ માત્ર ફોન પર જ નહીં પરંતુ ઘરે આવીને પણ આતંક મચાવ્યો હતો. બે મહિના પહેલા ભીમો રબારી રાહુલભાઈનું મોટરસાયકલ બળજબરીથી લઈ ગયો હતો અને પૈસા આપવાની ખાતરી બાદ જ પરત કર્યું હતું. આરોપીઓએ સતત ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો તેને જાનથી મારી નાખશે અથવા મોટા દારૂના કેસમાં ફસાવી દેશે.
આ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને રાહુલભાઈએ 5 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. હાલ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
