Junagadhતા.5
જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે સગાભાઈઓ રજુઆત કરવા ગયેલ જયાં બોલાચાલી બાદ બથંબથી કરવા લાગી એકબીજાને માર મારતા પોલીસે વચ્ચે પડી બન્નેને છુટા પાડી પોલીસ સ્ટેશનમાં જ બખેડો કર્યાની ફરીયાદ પોલીસે દાખલ કરી હતી.
ગઈકાલે બપોરના 1ના સુમારે સમીર ઉર્ફે કયામત મયુદીન શેખ અને તેની પત્ની રહીશા આવ્યા હતા અને તેઓએ શાહરૂખ મયુદીન શેખ અને તેની પત્નિ જેનલબેન શાહરૂખ શેખ સુખનાથ ચોકમાં રહેતા ફૈઝલખાન નાસીરખાન પઠાણ, સમીરખાન નાસીરખાન પઠાણ અને શબ્બીર ઉર્ફે લેવલ બાપુ યુસુફમીયા સૈયદના કહેવાથી ઉધ્ધતાઈ કરતા હોવાની અને સબંધ ન રાખતા હોવાની રજુઆત કરી હતી.
પોલીસે જેની સામે રજુઆત કરી તેઓને બોલાવ્યા હતા બન્ને ભાઈઓને સામ સામે બેસાડતા સમીર ઉર્ફે કયામત મયુદીન શેખ અને શાહરૂખ મયુદીન શેખ બન્ને ભાઈઓ વચ્ચે પોલીસની હાજરીમાં ગાળાગાળી કરી ઝપાઝપી કરી એકબીજાને ઢોર માર મારી બથંબથીએ આવી ગયા હતા. પોલીસે શાંતિ રાખવાના પ્રયાસો કરવા છતાં બન્ને છુટા ન પડતા અંતે પોલીસે બળનો પ્રયોગ કરી બન્નેને છુટા પાડયા હતા. પોલીસે કાર્યવાહી કરવાનું જણાવતા સમીર ઉર્ફે કયામત શેખે છુટીને પરિવાર સાથે કેરોસીન છાંટીને સળગી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ શુકલએ ફરીયાદ નોંધાવી હતી. એ ડીવીઝન એએસઆઈ પી.એલ. કરંગીયાએ તપાસ હાથ ધરી છે.

