Ahmedabad, તા.25
અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સામુદાયિક ભાગીદારી અને રમતગમતની ભાવનાનું એક અનોખું અને જીવંત દ્રશ્ય જોવા મળ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલિવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રિવરફ્રન્ટ પર વહેલી સવારે ફિટનેસ, સંસ્કૃતિ અને ભારતના રમતગમતના વિકાસની ઉજવણી કરવા માટે 5,000 જેટલા સાયકલ સવારો, એથ્લેટ્સ, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ ઉત્સાહીઓ એકઠા થયા હતા.
આ ભવ્ય અમદાવાદ આવૃત્તિની થીમ એ ન્યૂ આઇકોન ફોર અ ફિટર ઇન્ડિયા – પેડલિંગ ટુ 2030 રાખવામાં આવી હતી. આ અંતર્ગત યોગ અને ઝુમ્બાના અદભૂત નિદર્શનો સાથે 5-કિલોમીટર લાંબી સાયકલ રેલી યોજાઈ હતી, જેણે સમગ્ર રિવરફ્રન્ટને રમતગમતના ઉત્સવમાં ફેરવી દીધું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ એક વિશેષ `કોમનવેલ્થ ગેમ્સ-થીમ આધારિત પ્રદર્શન’ હતું. આ પ્રદર્શનમાં ભારતની રમતગમત ક્ષેત્રની અત્યાર સુધીની ઐતિહાસિક સિદ્ધિઓ, ખેલો ઈન્ડિયા મિશન હેઠળ દેશમાં થઈ રહેલો રમતગમતના માળખાકીય સુવિધાઓનો આધુનિક વિકાસ અને 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરફ આગળ વધી રહેલી દેશની વિસ્તરી રહેલી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, રિવરફ્રન્ટ પર માત્ર સાયકલિંગ જ નહીં પરંતુ તમામ વય જૂથના નાગરિકો માટે તહેવાર જેવું વાતાવરણ ઊભું કરવા વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં પિકલબોલ, બોક્સ ક્રિકેટ, વોલીબોલ, ટગ ઓફ વોર (દોરડા ખેંચ) અને અનેક પ્રકારની ઇન્ટરેક્ટિવ સામુદાયિક રમતોની આકર્ષક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો, જેણે વાતાવરણમાં ભારે ઉર્જા ભરી દીધી હતી.
આ આયોજનમાં ફિટનેસની સાથે કલા અને સ્વાસ્થ્યનો પણ સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમનું એક વિશેષ સાંસ્કૃતિક આકર્ષણ જાણીતા કલાકાર અનીશ રંગરેજ દ્વારા પ્રસ્તુત કરાયેલ અનોખું પ્રદર્શન હતું, જેમાં યોગના વિજ્ઞાન સાથે ગુજરાતની પરંપરાગત ગરબાની ભાવનાનું ફ્યુઝન રજૂ કરાયું હતું. સાથોસાથ, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના ડો. પવન કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ત્યાં આવેલા સહભાગીઓ સાથે સીધો સંવાદ સાધીને વેલનેસ પરામર્શ અને વિશેષ માર્ગદર્શન સત્રો યોજ્યા હતા, જે નાગરિકોને સર્વગ્રાહી ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરતા હતા.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા દેશભરમાં આવી જનભાગીદારી વધારતી પહેલો સતત ચલાવવામાં આવશે, જેથી દેશની રમતગમત ઇકોસિસ્ટમ મજબૂત બને અને યુવાનો સક્રિય જીવનશૈલી તરફ વળે.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયાએ ગર્વભેર જણાવ્યું હતું કે, આજે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 75મી આવૃત્તિ અને કોમનવેલ્થ ગેમ્સ ડે બંનેનો સમન્વય છે. ગુજરાત 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું છે તે આપણા માટે ગૌરવની વાત છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમદાવાદીઓના અભૂતપૂર્વ ઉત્સાહને બિરદાવ્યો હતો. આ પ્રસંગે ઓલિમ્પિયન્સ અને ભૂતપૂર્વ સીડબલ્યુજી ચંદ્રક વિજેતાઓ ગુરજીત કૌર, રજની એતિમારપુ, સોનિકા ટાંડી, અંજુમ મૌદગિલ, અંકુર મિત્તલ અને તૃપ્તિ મુર્ગુન્દેએ યુવાનોને પ્રેરણા આપી હતી.
આ ઉપરાંત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, ગગન નારંગ, મયંક શ્રીવાસ્તવ અને આદિલ સુમારીવાલા જેવા દિગ્ગજો હાજર રહ્યા હતા. સેલિબ્રિટી આઈકોન આયુષ્માન ખુરાનાએ આ પહેલને ભવિષ્યવાદી ગણાવી હતી. આ ભવ્ય જનમેદનીએ સાબિત કર્યું છે કે અમદાવાદ હવે વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

